ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં રેસિડન્ટ ડોક્ટરો આજે સવારથી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. કોલ્ડ રૂમમાં મૃતદેહ ડીકંપોઝ થઈ જવાની ઘટનાને પગલે ઉભા થયેલા તણાવ દરમિયાન ડોક્ટર પર હુમલો થયો હતો, જેના વિરોધમાં આ પગલું લેવામાં આવ્યું છે.
આ બનાવ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હડતાલના કારણે ઇમરજન્સી અને ઓપીડી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે, જ્યારે બાકીની તમામ સેવાઓથી ડોક્ટરો અલિપ્ત રહ્યા છે.
હડતાલની અસરને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા કલેક્ટર કચેરીના અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે અને હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ સાથે ચર્ચા-વાટાઘાટો શરૂ કરવામાં આવી છે.
રેસિડન્ટ ડોક્ટરોની મુખ્ય માંગ સુરક્ષા વધારવાની છે, જેથી ભવિષ્યમાં આવી હુમલાની ઘટનાઓ અટકાવી શકાય. હાલ રેસિડન્ટ ડોક્ટરોની ગેરહાજરીમાં મેડિકલ કોલેજના પ્રોફેસર અને અન્ય સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર ચાલુ રાખવામાં આવી રહી છે.