ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ/ધાર: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના દર્શન કરીને પંચમહાલ પરત ફરી રહેલા છ યુવાનો માટે ધાર-ઉજ્જૈન હાઈવે પર રવિવારનો દિવસ કાળમુખો સાબિત થયો હતો. પંચકવસા ગામ નજીક રોંગ સાઈડથી આવી રહેલી ટ્રક સાથે ઈકો કારની ભયાનક ટક્કર થતાં પંચમહાલ જિલ્લાના છ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
રોંગ સાઈડથી આવતી ટ્રક સાથે કારની જોરદાર ટક્કર
પ્રાપ્ત માહિતી મુજબ, ધાર-ઉજ્જૈન ફોરલેન હાઈવે પર રવિવારે 9 ઓગસ્ટના રોજ બપોરે આશરે 1 વાગ્યાના અરસામાં પંચકવસા ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકાના સાત યુવાનો ઈકો કારમાં ઉજ્જૈન ખાતે મહાકાલ મંદિરના દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહેલી લોખંડના સામાનથી ભરેલી ટ્રક સાથે તેમની કાર અથડાઈ હતી.ટક્કર એટલી ગંભીર હતી કે ઈકો કારનો કૂચડો બોલી ગયો હતો. કારમાં સવાર છ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
મૃતકોમાં ગોધરા અને શહેરા તાલુકાના યુવાનોનો સમાવેશ
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનોમાં શહેરા તાલુકાના ભુરખલ ગામના વિશાલસિંહ પરમાર, ગોધરાના મયુર ચૌહાણ, ગોધરા તાલુકાના વેલવડ ગામના રાકેશ મકવાણા, રતનપુરના પરેશ પરમાર, ગોધરાના વિમલસિંહ સોલંકી અને આંગડિયા ગામના દીપક બારીયાનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, તમામ યુવાનો એક ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા હતા અને મિત્રો સાથે મહાકાલ દર્શન માટે ઉજ્જૈન ગયા હતા.
નવપરિણીત રાકેશ મકવાણાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું
અકસમાતમાં મૃત્યુ પામેલા વેલવડ ગામના રાકેશ મકવાણાના તાજેતરમાં જ લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ અકસ્માતમાં તેમનું અકાળે અવસાન થતાં પરિવારજનો અને નવવધૂ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.પોલીસ અને ગ્રામજનોએ હાથ ધરી બચાવ કામગીરીઅકસ્મતની જાણ થતાં પોલીસ કાફલો અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનો અને પોલીસે ભારે પ્રયાસો બાદ કારનો કાચ તોડી મૃતકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે બદનાવર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
ફરાર ટ્રકચાલકની શોધખોળ શરૂ
પોલીસે તમામ મૃતકોની ઓળખ કરી તેમના પરિવારજનોને અકસ્માતની જાણ કરી છે. પોલીસે ફરાર ટ્રકચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. અકસ્માતને કારણે ફોરલેન હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી, જોકે પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિકનો પ્રવાહ પૂર્વવત કર્યો હતો.
