નસવાડી, જાવેદ એન કુરેશી :-

નસવાડી: નસવાડી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને વારસાને ઉજાગર કરવાના હેતુથી નસવાડી શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રામાં આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો, યુવાનો, મહિલાઓ અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પરંપરાગત વેશભૂષા, આદિવાસી નૃત્ય, ઢોલ-નગારાં અને અન્ય પરંપરાગત વાદ્યોના તાલે સમગ્ર નસવાડીમાં આદિવાસી સંસ્કૃતિનો અનોખો રંગ જોવા મળ્યો હતો.
શોભાયાત્રા દરમિયાન આદિવાસી એકતા અને સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. નસવાડીના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી શોભાયાત્રા હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી, જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ આદિવાસી સમાજની એકતા, શિક્ષણ, સંસ્કૃતિ અને સર્વાંગી વિકાસ માટે સૌને સાથે મળીને આગળ વધવા આહ્વાન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન નસવાડી શહેરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દ્વારા નવી પેઢીને પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.