તમિલનાડુ વિધાનસભામાં ભ્રષ્ટાચારના આક્ષેપો પર ઘમાસાણ, વિરોધ કરતા DMK ધારાસભ્યોને માર્શલો દ્વારા બહાર કઢાયા…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / Tamil Nadu Assembly Uproar: તમિલનાડુ વિધાનસભામાં મંગળવારે ભારે હોબાળો જોવા મળ્યો હતો. મુખ્ય પ્રધાન વિજય દ્વારા અગાઉના DMK શાસન દરમિયાન ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દસ્તાવેજો ટાંકીને કોન્ટ્રાક્ટરો પાસેથી 7.5થી 10 ટકા સુધીની રકમ ‘પાર્ટી ફંડ’ તરીકે વસૂલવામાં આવતી હોવાનો દાવો કર્યો હતો. આ મુદ્દે DMK ધારાસભ્યોએ ભારે વિરોધ નોંધાવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

EDના દસ્તાવેજો ટાંકીને ભ્રષ્ટાચારના આક્ષેપો

વિવાદની શરૂઆત સોમવારના વિધાનસભા સત્ર દરમિયાન મુખ્ય પ્રધાન વિજયના ભાષણથી થઈ હતી. તેમણે EDના દસ્તાવેજોનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે અગાઉના DMK શાસન દરમિયાન કોન્ટ્રાક્ટરો પાસેથી 7.5થી 10 ટકા સુધીની રકમ ‘પાર્ટી ફંડ’ તરીકે લેવામાં આવતી હતી.

મુખ્ય પ્રધાનના જણાવ્યા મુજબ, આ રકમ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન એન્ડ વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ હેઠળના કામોમાંથી એકત્રિત કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે વીરનમ પાણી યોજના અંગેના સરકારી આયોગના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ મુદ્દે ગૃહમાં ભારે ચર્ચા થઈ હતી. રાજ્યના કાયદા પ્રધાન આર. નિર્મલ કુમારે મુખ્ય પ્રધાનના નિવેદનોનું સમર્થન કરતા જણાવ્યું હતું કે આ માહિતી સત્તાવાર દસ્તાવેજો પર આધારિત છે.

DMKની રેકોર્ડમાંથી નિવેદનો હટાવવાની માંગ ફગાવાઈ

DMKના વ્હીપ ઈ.વી. વેલુએ મુખ્ય પ્રધાનની ટિપ્પણીઓને વિધાનસભાના નિયમોની વિરુદ્ધ ગણાવી હતી અને આ નિવેદનોને રેકોર્ડમાંથી હટાવવાની માંગ કરી હતી.

જોકે, વિધાનસભાના અધ્યક્ષ જેસીડી પ્રભાકરે આ માંગને ફગાવી દીધી હતી. અધ્યક્ષે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાને જાહેર ક્ષેત્રમાં પહેલેથી ઉપલબ્ધ માહિતી અને સરકારી દસ્તાવેજોનો જ ઉલ્લેખ કર્યો છે. તેથી તેમના નિવેદનમાં નિયમ વિરુદ્ધ કંઈ નથી અને તેને રેકોર્ડમાંથી હટાવવાની જરૂર નથી.

વિરોધ વચ્ચે માર્શલોએ ધારાસભ્યોને બહાર કાઢ્યા

અધ્યક્ષના નિર્ણય બાદ પણ DMKના ધારાસભ્યોએ પોડિયમ પાસે જઈને સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યો હતો અને મંજૂરી વગરના પ્લેકાર્ડ્સ દર્શાવ્યા હતા. ગૃહના નેતા કે.એ. સેંગોટ્ટાઈયનની ભલામણ અને ચેતવણી છતાં વિરોધ ચાલુ રહેતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

પરિસ્થિતિને પગલે અધ્યક્ષે માર્શલોને આદેશ આપ્યો હતો. ત્યારબાદ વિરોધ કરી રહેલા તમામ DMK ધારાસભ્યોને માર્શલો દ્વારા ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન પણ ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યો હતો.



આ પણ વાંચો :-