શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

Kalam Ki Sarkar News / Shravana Somvar: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવારે દર્શન માટે ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી. સવારથી જ શિવજીના દર્શન માટે ભાવિકોની લાંબી કતારો લાગી હતી. મંદિર પરિસર ‘ઓમ નમઃ શિવાય’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
અભિષેક કરી ભાવિકોએ ધન્યતા અનુભવી
હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ હવે અંતિમ તબક્કામાં છે ત્યારે શહેરા તાલુકાના વિવિધ શિવાલયોમાં પણ દર્શન માટે ભાવિકોની ભીડ જોવા મળી હતી. પાલીખંડા ગામના પ્રસિદ્ધ પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો પહોંચ્યા હતા. ભાવિકોએ ફૂલ, જળ અને બિલીપત્ર સહિતની પૂજા સામગ્રીથી અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી.
મંદિરે ભરાતા મેળામાં ભાવિકોએ માણ્યો આનંદ
મરડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના દરેક સોમવારે મેળો ભરાતો હોવાથી ભાવિકોએ દર્શનની સાથે મેળાનો પણ આનંદ માણ્યો હતો. બાળકોએ વિવિધ રાઈડમાં બેસીને મોજ માણી હતી, જ્યારે લોકોએ મેળામાં મળતા ફરાળી ચેવડાની ખરીદી પણ કરી હતી.
આસપાસ આવેલા અન્ય મંદિરોમાં પણ ભાવિકોએ દર્શન કર્યા હતા. શહેરામાં આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભાવિકોની ભીડ જોવા મળી હતી.
મરડેશ્વર મહાદેવ મંદિર સાથે જોડાયેલી લોકવાયકા
પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર સાથે વિવિધ લોકવાયકા જોડાયેલી છે. જેમાં મંદિર સાથે એવી માન્યતા જોડાયેલી છે કે અહીં દર વર્ષે ચોખાના દાણા જેટલું વધતું હોવાનું કહેવાય છે. ઉપરાંત, અમાસના દિવસે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવે છે.
મરડેશ્વર મહાદેવ મંદિર દિલ્હી-રાજસ્થાન જતા માર્ગ સાથે જોડાયેલું હોવાથી અન્ય રાજ્યોમાંથી આવતા લોકોએ પણ અહીં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
