રાશિદ ખાને ભારત અને ઓસ્ટ્રેલિયાની નાગરિકતાની ઓફર ઠુકરાવી, અફઘાનિસ્તાન માટે રમવાનું પસંદ કર્યું…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે કે તેમને ભારત માટે ક્રિકેટ રમવા માટે ભારતીય નાગરિકતાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ ઓફર સ્વીકારી નહોતી. એટલું જ નહીં, ઓસ્ટ્રેલિયાની તરફથી પણ તેમને નાગરિકતા અને ત્યાં માટે રમવાની તક આપવામાં આવી હતી, જેને પણ તેમણે નકારી દીધી હતી.

27 વર્ષીય રાશિદ ખાને પોતાના આગામી પુસ્તક *‘Rashid Khan: From Streets to Stardom’*માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે, પોતાના દેશ પ્રત્યેની લાગણીને પ્રાથમિકતા આપીને તેમણે અન્ય દેશોની ઓફર સ્વીકારી નહોતી.

રાશિદ ખાને કહ્યું કે, “જો હું મારા દેશ માટે ન રમી શકું, તો બીજા કોઈ દેશ માટે પણ નહીં રમું.”

તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે તેઓ IPLમાં ગુજરાત ટાઈટન્સ માટે રમતા હતા ત્યારે તેમને ભારતીય નાગરિકતા અને ટીમ ઈન્ડિયા માટે રમવાની ઓફર મળી હતી. એક અધિકારી દ્વારા તેમને જણાવાયું હતું કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ ભારત આવીને સ્થાયી થઈ શકે છે અને અહીંથી ક્રિકેટ કારકિર્દી આગળ વધારી શકે છે.

આ ઓફર સાંભળીને રાશિદ ખાને સૌજન્યપૂર્વક તેનો ઇનકાર કર્યો અને પોતાના દેશ અફઘાનિસ્તાન માટે રમવાનું પસંદ કર્યું.