ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

રાજકોટ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ માહોલ ગરમાયો છે. એક તરફ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ચૂંટણી તંત્ર પણ સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય તે માટે સઘન કામગીરી કરી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ઈવીએમ કમિશનિંગની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
રાજકોટમાં સરકારી પોલિટેકનિક કોલેજને ઈવીએમ કમિશનિંગનું મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. અહીં જિલ્લા પંચાયતની 6 બેઠકો અને તાલુકા પંચાયતની 21 બેઠકો માટે મશીનો તૈયાર કરવામાં આવ્યા હતા. બે દિવસ ચાલેલી આ પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લગભગ 100 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ સતત ફરજ બજાવી હતી. આ દરમિયાન બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનું ટેસ્ટિંગ કરીને ઉમેદવારોના નામ અને ચિન્હો મુજબ મશીનો સેટ કરવામાં આવ્યા હતા. કુલ 397 ઈવીએમ તૈયાર કરી સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે.
ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે પણ તૈયારીઓ ઝડપી ગતિએ આગળ વધી રહી છે. ગોંડલની મહારાજા ભગતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઈવીએમ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુલ 11 વોર્ડમાંથી વોર્ડ નંબર 1, 6, 9 અને 11 બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીના 7 વોર્ડ માટે ચૂંટણી યોજાશે. આ વોર્ડના કુલ 55 મતદાન મથકો માટે રિઝર્વ મશીનો સહિતના ઈવીએમ તૈયાર કરવામાં આવ્યા છે.
ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઈવીએમ કમિશનિંગ અને સ્ટ્રોંગ રૂમ સીલિંગ દરમિયાન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તથા અપક્ષ ઉમેદવારોને હાજર રાખવામાં આવ્યા હતા. તેમની હાજરીમાં જ મશીનોનું ચેકિંગ અને સીલિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ટેકનિકલ ચકાસણી માટે બેલના એન્જિનિયરો દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી હતી.
જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ સઘન તૈયારીને કારણે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે યોજાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.