ધાર્મિક નગરી સિદ્ધપુરમાં મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદીજીના 75મા જન્મદિવસે શ્રીસરસ્વતી નદીના પટમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું

સિદ્ધપુર,(પાટણ) આશિષકુમાર.આર.પાધ્યા :-

ધાર્મિક નગરી સિદ્ધપુરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી વેદ પુરાણ પ્રસિદ્ધ પ્રાચી શ્રીસરસ્વતી નદીના કિનારે સ્થિત ઐતિહાસિક શ્રીમાધુપાવડિયા ઘાટ અને સ્વયંભૂ શ્રીભ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર પરિસર પાસે બનાવાયેલ ચેકડેમમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીનારેન્દ્રભાઈ મોદીજીના
પૂજનીય માતાજી સ્વ.હીરાબાના નામે ભારતનું સૌ પ્રથમ માતૃશ્રી હીરાબા સરોવરનું રાજ્યના મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે લોકાર્પણ કરી શહેરના નાગરિકોને ભેટ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સન ૨૦૦૫માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનમાં આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ ભાદરવા સુદ પાંચમને ઋષિ પંચમીના પવિત્ર દિવસે આજ જગ્યાએ લોકમાતા સરસ્વતી નદીના પટમાં ત્રિવેણી સંગમ પુણ્ય સલીલા (માં રેવા)નર્મદા નદી અને સાબરમતી નદીના નીરનો જલાભિષેક કરી સરસ્વતી,નર્મદા, અને સાબરમતી નદીનો મહા ત્રિવેણી સંગમનો ભવ્ય કાર્યક્રમ કર્યો હતો અને નદીઓના એકત્રિકરણના પ્રોજેક્ટની રાજ્યમાં પ્રથમ ઐતિહાસિક પહેલ કરાવી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્રભાઈ પટેલે સભા મંડપમાંથી જણાવેલ કે વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદીજીએ પોતાના બાળપણમાં માતા હીરાબાને પાણી માટે સંઘર્ષ વેઠતા જોયા હતા તેની વેદનામાંથીજ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર મુખ્યમંત્રી તરીકે તેમણે કર્યો હતો. રાષ્ટ્ર સેવા માટે સમર્પિત વડાપ્રધાનશ્રીનું સંસ્કાર,સિંચન અને ઘડતર કરનારા માતા હીરાબાનું તેમના પુત્રના જન્મદિને આ માતૃશ્રી હીરાબા સરોવર તેમના માટે શ્રેષ્ઠ ભાવસ્મરણ બની રહેશે. ભૂતકાળમાં પાણી માટે માતા હીરાબાએ વેઠેલા સંઘર્ષ અને વેદના જોઈને પુત્ર શ્રીનરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર કર્યો હતો.આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદીજીએ પાણીને પારસમણિ અને વિકાસનો મુખ્ય આધાર બનાવીને જનશક્તિ ને જલશક્તિ સાથે જોડીને લોક ભાગીદારીથી સુદ્રઢ જળ વ્યવસ્થાપન કર્યુ છે. આ યોજનાથી સરસ્વતી નદીના પટમાં 450 લાખ ઘનફૂટથી વધુ પાણીનો સંગ્રહ થવાથી
આસપાસની દોઢસો હેક્ટર વિસ્તારની જમીનને સિંચાઈનો લાભ થશે અને 20થી વધુ રિચાર્જ વેલના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને પીવાલાયક પાણીની સમસ્યા દૂર થશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંત સિંહ રાજપૂતે પોતાના પ્રવચનમાં જણાવેલકે પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે અદભૂત સંયોગ રચાયો છે. માતૃતીર્થ સિદ્ધપુરની પવિત્ર સરસ્વતી નદી ખાતે માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ એ સૌભાગ્યની તક છે.
તદઅનુસાર, રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી સરસ્વતી નદીના નવસર્જનની હાથ ધરાયેલી આ સફળ કામગીરીને પરિણામે માધુપાવડીયા ચેકડેમના નીચાણવાળા વિસ્તારોનું ધોવાણ અટકશે.સરસ્વતી નદીના નવ સર્જનને માતૃશ્રી હીરાબા સરોવર નામ આપવા માટે અને સિદ્ધપુર નગરપાલિકાને ‘અ’ વર્ગની નગરપાલિકાનો દરજ્જો આપવા માટે તેમણે મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે, એક સમયે પાણીની અછત અને સતત દુષ્કાળની ઓળખ ધરાવતું ગુજરાત અને તેમાનું ઉત્તર ગુજરાતમાં ઉનાળામાં નદીઓ સૂકાઈ જતી હતી અને સિંચાઈની સુવિધા અત્યંત મર્યાદિત હોય એવી સ્થિતિને કારણે ખેડૂતોની હાલત દયનીય બનતી હતી. આવા સમયે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ આ ચિત્ર બદલવાનો સંકલ્પ કર્યો,જેના પરિણામે ગુજરાતે જળસંચય, સિંચાઈ અને જળવ્યવસ્થાપનમાં દેશભરમાં નવું ઉદાહરણ સ્થાપ્યું છે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ ભરત સિંહ ડાભી, પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સચિવ પી.સી.વ્યાસ, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ પટેલ, પદાધિકારીઓ, અધિકારીઓ, ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, મહિલા મોરચા, નગરપાલિકામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં સિદ્ધપુર અને આસપાસ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા

    અત્રે ઉલ્લેખનીય છે કે આ કુંવારીકા સરવતી નદીના પટમાં બનેલ ચેકડેમમાં પાણી ભરી માતૃશ્રી હીરાબા સરોવર નામ કરણ થતાં (તકતી વાગતા) સ્થાનિક નગરજનોમાં ખુબજ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ ધાર્મિક નગરી સિદ્ધપુર માંથી પસાર થતી વેદમાતા સરસ્વતી નદીનો આપણા વેદો,પુરાણો તેમજ અનેક ધર્મ ગ્રંથોમાં ખુબજ પવિત્ર અને કુવારીકા નદી તરીકેનો ઉલ્લેખ જોવામળે છે આ સરસ્વતી નદીને અહીંના સ્થાનિક લોકો પોતાની માતાની જેમ માને છે અને તેને પૂજે પણ છે તેમજ આ સરસ્વતી નદીના પટમાં અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવો સહિત કારતક મહિનામાં મેળાઓ ભરાય છે. અહી સનાતની હિન્દુ સમાજ પોતાના મૃતક સ્વજનોની અસ્થી વિસર્જન તેમજ પિંડદાન કરવા સમગ્ર ભારત સહિત દેશ વિદેશ થી જાત્રાળુઓ અહી આવે છે. તો શહેરના નાગરિકોને અંધારામાં રાખી આ જગ્યાનું નામકરણ કરવું એ યોગ્ય નથી. આપણા દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજી અને તેમની સ્વ.માતૃશ્રી હીરાબાનું અમો અમારી માતા જેટલું સન્માન અને આદર ભાવ રાખીએ છીએ પરંતુ લોકમાતા સરસ્વતી નદીમાં ચેકડેમમાં વરસાદી પાણી ભરી તેનું નામ કરણ કરવું યોગ્ય નથી આ ગામની પ્રજા સભ્ય અને સમજુ છે આગામી સમયમાં ભાજપને નગરપાલિકાના ઇલેક્શનમાં ખુબજ તકલીફ પડશે લોકોમાં ખુબજ નારાજગી છે તેમાંય ખાસકરી યુવાઓ, વડીલો તેમજ મહિલા વર્ગમાં તો આક્રોશ શમાતો નથી એ છડે ચોક નરી આખે દેખાઈ રહ્યો છે. આના માટે સ્થાનિક પ્રજાજનોએ સ્થાનિક ભાજપના શહેર પ્રમુખ તેમજ સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર બલવંતસિંહ રાજપૂતને રૂબરૂ મળી પોતાનો રોષ ઠાલવ્યો હતો તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સી.એમ.ઓ અને પી.એમ.ઓ ઓફિસમાં પણ રજૂઆત કરી છે. જો આ જગ્યાનું જે જૂનું નામ હતું (શ્રી મધુપાવડિય ઘાટ કે શ્રી સરસ્વતી રિવર ફ્રન્ટ ) તે જો નહિ કરવામાં આવેતો ઉગ્રઆંદોલન કરવાની ચિમકીઓ પણ ઉચ્ચારાઇ રહી છે. આ વિરોધનો લાભ લેવા શહેરમાં મૃતપાય બનેલી કોંગ્રેસ અને નવી નવી માર્કેટમાં આવેલી આમ આદમી પાર્ટીને બેઠે બેઠા લોલીપોપ સમજી મુદ્દાને ચગાવી રહી છે તો રાજ્ય અને દેશની સંવેદનશીલ સરકારને સિદ્ધપુર વાસીઓની એક નમ્ર અપીલ પણ છે કે આ વિષયની ગંભીરતા જાણી લોક આસ્થાની મર્યાદા જળવાય તે જરૂરી છે બાકી આવનારો સમય સિદ્ધપુરમાં ભાજપને આ જનઆક્રોશ ભારે પડે તો કોઈ નવાઈ નઇ હોય.