શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

Kalam Ki Sarkar News / શહેરા: ગણેશ ચતુર્થીના તહેવાર અને આગામી ગણેશ વિસર્જનનો પર્વ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે શહેરા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર તાલુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગુરુવારે શહેરા નગરમાં પોલીસ વિભાગ દ્વારા ફૂટ માર્ચ યોજવામાં આવી હતી.
શહેરા પોલીસ મથકેથી શરૂ થયેલી પોલીસની ફૂટ માર્ચ મુખ્ય બજાર, પરવડી, વૈજનાથ ભાગોળ, શહેરા તળાવ સહિતના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ સિંધિ ચોકડી અને બસ સ્ટેન્ડ વિસ્તાર સુધી ફરી હતી. ફૂટ માર્ચ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કાફલાની સઘન હાજરીથી નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો.
ગણેશ વિસર્જન દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરાના વિવિધ સ્થળોએ પૂરતો પોલીસ બંદોબસ્ત અને પોલીસ પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા તમામ નાગરિકોને ગણેશ વિસર્જન પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
આ ફૂટ માર્ચમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત અને ડીવાયએસપી બ્રિન્દા જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ તેમજ શહેરા પોલીસ મથકના પીઆઈ હસમુખકુમાર સિસારા, LCB શાખાના પોલીસ અધિકારીઓ, જિલ્લાના વિવિધ પોલીસ શાખાના અધિકારીઓ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને TRBના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ડીવાયએસપી બ્રિન્દા જાડેજાએ જણાવ્યું હતું કે, આગામી ગણેશ ચતુર્થીના તહેવાર બાદ યોજાનારા ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને વિસર્જનના રૂટ પર ફૂટ માર્ચ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ વિભાગને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે DJ અંગેના જાહેરનામાના નિયમોનું પાલન કરવા માટે ગણેશ મંડળોને અપીલ કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન તમામ લોકો શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરે અને પોલીસને સહકાર આપે તે માટે પોલીસ વિભાગ દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.
