ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / પંચમહાલ: ‘મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦’ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ૯ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન સમગ્ર પંચમહાલ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્યક્રમના સુચારુ અને અસરકારક અમલીકરણ માટે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં આઈ.સી.ડી.એસ. (ICDS) શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા તથા આયોજન બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આ વર્ષની ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પોષણ અભિયાન માત્ર સરકારી કાર્યક્રમ બનીને ન રહે, પરંતુ તેને વ્યાપક ‘જન આંદોલન’ બનાવવાની દિશામાં તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાથે કામગીરી કરવાની રહેશે.

તેમણે સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષ સુધીના બાળકોના પોષણ સ્તરમાં ગુણાત્મક સુધારો લાવવા માટે ગ્રામીણ તેમજ તાલુકા કક્ષાએ સઘન જનજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ આયોજન બેઠકમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી (ICDS), નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, તમામ તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ (CDPO) તેમજ સંબંધિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન પોષણ અંગેની જાગૃતિને વધુ વ્યાપક બનાવવા અને વિવિધ વર્ગો સુધી પોષણ સંદેશ પહોંચાડવા માટે સંકલિત રીતે કામગીરી હાથ ધરવામાં આવશે.
