સંતરામપુર પોલીસે વિદેશી દારૂ ભરેલી XUV 500 ઝડપી પાડી, રૂ. 8.14 લાખનો મુદ્દામાલ જપ્ત; ચાલક ફરાર

લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ(પાલ્લાવાલા) :-

સંતરામપુર, મહીસાગર: પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા ઈસમોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને સંતરામપુર પોલીસે પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. પોલીસે રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી સંતરામપુર થઈ ગોધરા તરફ જઈ રહેલી મહીન્દ્રા XUV 500 કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના કુલ 1,007 નંગ ઝડપી પાડ્યા છે.

આ સમગ્ર કાર્યવાહી પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી, મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક, સંતરામપુર વિભાગ, જે.જી. ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

આ સૂચનાના અમલીકરણ માટે સંતરામપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. અસોડાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા ઈસમો પર નજર રાખવા પોલીસ સ્ટાફને સૂચના આપી હતી. તેના આધારે પોલીસની અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી.

દરમિયાન, પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. અસોડાને બાતમી મળી હતી કે GJ-06-FC-6096 નંબરની ફોર-વ્હીલર કારમાં રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી સંતરામપુર થઈ ગોધરા તરફ જવામાં આવશે.

બાતમીના આધારે પોલીસ સ્ટાફે વાંકાનાળા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને ઊભી રાખવા ઈશારો કર્યો હતો. જોકે, કારચાલકે કાર ઊભી રાખવાને બદલે ગોધરા તરફના રોડ પર હંકારી મૂકી હતી.

પોલીસે સરકારી વાહનથી કારનો પીછો શરૂ કર્યો હતો. દરમિયાન પાદેડી અડોર ગામે આવેલી ચીબોટા નદી પાસે કારચાલકે વાહન રોડની સાઇડમાં આવેલા ડિવાઇડર સાથે અથડાવ્યું હતું. અથડામણને કારણે કાર ડિવાઇડર તોડીને નદીમાં ખાબકી ગઈ હતી.

આ સમયે કારચાલક કારમાંથી બહાર નીકળી અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના કુલ 1,007 નંગ, જેની કિંમત રૂ. 3,14,293.65 હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઉપરાંત મહીન્દ્રા કંપનીની XUV 500 કાર નંબર GJ-06-FC-6096, જેની કિંમત રૂ. 5,00,000 ગણવામાં આવી છે, તે પણ પોલીસે કબજે કરી હતી.

આમ, દારૂ-બિયરના જથ્થા અને XUV 500 કાર સહિત પોલીસે કુલ રૂ. 8,14,293.65નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે કારચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 98(2), 116(B), ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 281, 324 તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર કારચાલકને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા મુદ્દામાલની વિગત

  • ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરના કુલ 1,007 નંગ – કિંમત રૂ. 3,14,293.65
  • મહીન્દ્રા કંપનીની XUV 500 કાર નંબર GJ-06-FC-6096 – કિંમત રૂ. 5,00,000
  • કુલ મુદ્દામાલ – રૂ. 8,14,293.65



આ પણ વાંચો :-