ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

કસરત સ્વાસ્થ્ય માટે જરૂરી, પરંતુ અતિશય કસરત બની શકે જોખમી…!! જિમ સંચાલકો પાસે CPR અને AED જેવી ઈમરજન્સી સુવિધા છે કે નહીં..!!? ટ્રેનરો પ્રમાણિત છે કે માત્ર અનુભવના આધારે આપી રહ્યા છે તાલીમ..!!?
આસામના નગાંવમાં જિમમાં કસરત કરતી વખતે નગાંવ મેડિકલ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડૉ. શાહિન રહેમાન અચાનક ઢળી પડ્યા બાદ તેમનું મોત થયાની ઘટના સામે આવતા જિમમાં કસરત કરતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. સમગ્ર ઘટના જિમના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે, ડૉ. રહેમાનના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી.
આ ઘટનાએ માત્ર આસામ જ નહીં, પરંતુ ગુજરાત સહિત દેશભરના જિમમાં કસરત કરતા લોકો અને જિમ સંચાલકો સામે પણ એક મહત્વનો સવાલ ઊભો કર્યો છે કે જિમમાં માત્ર આધુનિક સાધનો અને ટ્રેનર પૂરતા છે કે અચાનક તબીબી કટોકટી સર્જાય ત્યારે જીવન બચાવવા માટે જરૂરી ઈમરજન્સી વ્યવસ્થા પણ ઉપલબ્ધ હોવી જોઈએ..!!?
ખાસ કરીને ગોધરા અને પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિમ તથા ફિટનેસ સેન્ટરોની સંખ્યા વધી રહી છે. યુવાનો ઉપરાંત મોટી ઉંમરના લોકો પણ ભારે વજન ઉઠાવવાની તથા હાઈ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ કરવાની પ્રવૃત્તિ તરફ વળી રહ્યા છે. પરંતુ દરેક વ્યક્તિની શારીરિક ક્ષમતા, ઉંમર અને તબીબી સ્થિતિ એકસરખી હોતી નથી.
જિમમાં કસરત કરનાર વ્યક્તિ માટે યોગ્ય માર્ગદર્શન ખૂબ જ મહત્વનું છે. ત્યારે સવાલ એ પણ છે કે ગોધરા-પંચમહાલના જિમમાં કસરત કરાવતા ટ્રેનરો પાસે સંબંધિત તાલીમ કે પ્રમાણપત્ર છે કે નહીં..!? શું દરેક ટ્રેનરને CPR અને બેઝિક ફર્સ્ટ એઇડની તાલીમ આપવામાં આવી છે..!!? શું ટ્રેનરોને કસરત દરમિયાન કોઈ વ્યક્તિને ચક્કર આવે, શ્વાસ લેવામાં તકલીફ પડે કે અચાનક બેભાન થઈ જાય ત્યારે તાત્કાલિક શું કરવું તેની જાણકારી છે..!!? પ્રમાણિત તાલીમ વિના માત્ર પોતાના અનુભવના આધારે કોઈ વ્યક્તિને ભારે કસરત કરાવવી કે કસરત અંગે તબીબી પ્રકારની સલાહ આપવી કેટલું યોગ્ય છે, તે અંગે પણ જવાબદાર તંત્ર દ્વારા તપાસ થવી જરૂરી બની શકે છે.
અચાનક કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય અને સામાન્ય રીતે શ્વાસ ન લેતી હોય ત્યારે તાત્કાલિક CPR (Cardiopulmonary Resuscitation) અને જરૂર પડે તો AED (Automated External Defibrillator) જેવી સુવિધાઓ જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આથી ગોધરા-પંચમહાલના જિમ સંચાલકો માટે હવે સવાલ મહત્વનો બની રહ્યો છે કે તેમના જિમમાં પ્રાથમિક સારવારની સુવિધા છે કે નહીં, ઈમરજન્સી મેડિકલ કિટ ઉપલબ્ધ છે કે નહીં, સ્ટાફને CPRની તાલીમ આપવામાં આવી છે કે નહીં, AED ઉપલબ્ધ છે કે નહીં અને નજીકની હોસ્પિટલ અથવા ઈમરજન્સી સેવાનો સંપર્ક કરવાની યોગ્ય વ્યવસ્થા છે કે નહીં..!!? જિમમાં કસરત કરનાર સભ્યોની મૂળભૂત મેડિકલ માહિતી લેવામાં આવે છે કે નહીં તે પણ તપાસનો વિષય બની શકે છે.
આ ઘટનાનો અર્થ એવો નથી કે જિમમાં કસરત કરવી જોખમી છે. હકીકતમાં નિયમિત અને યોગ્ય કસરત સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. પરંતુ કસરત ધીમે ધીમે વધારવી, પોતાની ક્ષમતા પ્રમાણે વર્કઆઉટ કરવો અને શરીર દ્વારા આપવામાં આવતા ચેતવણીના સંકેતોને અવગણવા નહીં તે જરૂરી છે. છાતીમાં દુખાવો, અસામાન્ય શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર, ધબકારા અસામાન્ય રીતે વધવા, અચાનક નબળાઈ અથવા અસામાન્ય પરસેવો જેવા લક્ષણો જણાય તો કસરત ચાલુ રાખવાને બદલે તાત્કાલિક તબીબી મદદ લેવી જરૂરી છે. ખાસ કરીને લાંબા સમયથી કસરત ન કરતા લોકો, વધુ ઉંમરના લોકો અથવા હૃદય સંબંધિત જોખમ ધરાવતા લોકોએ ભારે કસરત શરૂ કરતાં પહેલાં તબીબી સલાહ લેવી વધુ સલામત બની શકે છે.
આસામની ઘટના બાદ ગોધરા અને પંચમહાલમાં પણ જિમ તથા ફિટનેસ સેન્ટરોમાં સુરક્ષા અને ઈમરજન્સી વ્યવસ્થાની ચકાસણી કરવી જોઈએ કે કેમ..!!? તે અંગે ચર્ચા જરૂરી બની છે. જિમમાં હજારો રૂપિયાના આધુનિક સાધનો હોય, પરંતુ ઈમરજન્સી સમયે જીવન બચાવવા માટે જરૂરી મૂળભૂત વ્યવસ્થા ન હોય તો સવાલ ઊભો થવો સ્વાભાવિક છે.
આસામની ઘટના એક ચેતવણી સમાન છે, જિમમાં માત્ર ફિટનેસ નહીં, પરંતુ ઈમરજન્સી સેફ્ટી પણ એટલી જ જરૂરી છે.
