બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ કોમર્સમાં નવા B.Com. વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

રાજપીપલા: બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ કોમર્સ ખાતે શૈક્ષણિક વર્ષ દરમિયાન B.Com. સેમેસ્ટર-1માં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓ માટે ભવ્ય ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના શૈક્ષણિક વાતાવરણ, અભ્યાસ પદ્ધતિ અને ભવિષ્યની કારકિર્દી અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.

કાર્યક્રમના પ્રારંભે સ્કૂલ ઓફ કોમર્સના પ્રિન્સિપાલ ડૉ. રાજેશભાઈ ઝાલાએ નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે યુનિવર્સિટીના શૈક્ષણિક માહોલ, નિયમિત અભ્યાસ, શિસ્ત, સમયનું આયોજન અને વ્યક્તિત્વ વિકાસના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની અપીલ કરી હતી.

કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉ. હિતેશ ગાંધીએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં ઉચ્ચ શિક્ષણના મૂલ્યો, કારકિર્દી નિર્માણ, કૌશલ્ય વિકાસ અને જીવનમાં સફળતા મેળવવા માટે સતત મહેનત અને સકારાત્મક અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમનું અસરકારક સંચાલન ડૉ. ભૌતિક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર આયોજનમાં પ્રા. દિવ્યાંગસિંહ ચાવડાનું વિશેષ માર્ગદર્શન અને સહયોગ રહ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે B.Com. સેમેસ્ટર-3 અને સેમેસ્ટર-5ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની આયોજન અને વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

ઓરિએન્ટેશન દરમિયાન નવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની વિવિધ શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ, પરીક્ષા પદ્ધતિ, પુસ્તકાલયની સુવિધાઓ, વિદ્યાર્થી કલ્યાણ યોજનાઓ તેમજ કારકિર્દી વિકાસની વિવિધ તકો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે તમામ નવા વિદ્યાર્થીઓને ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને યાદગાર સાબિત થયો હતો.

આ આયોજનને સફળ બનાવવા બદલ માનનીય કુલપતિ પ્રો. ડૉ. મધુકરભાઈ પાડવી, કુલસચિવ ડૉ. રજનીકાંત પંડ્યા, નાયબ કુલસચિવ ડૉ. વિજયસિંહ વાળા તથા નાયબ કુલસચિવ ડૉ. શીતલબા પરમારએ સ્કૂલ ઓફ કોમર્સની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.



આ પણ વાંચો :-