ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

રાજગઢ પાલ્લા ગામે આજે ઈદે મિલાદુન્નબીના પવિત્ર તહેવારની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તહેવારને લઈને ગામના વિવિધ ફળિયામાં રોશની કરવામાં આવી હતી. તેમજ છેલ્લા બાર દિવસથી નબીની યાદમાં મિલાદુન્નબી તથા તકરીરના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
ઈદે મિલાદુન્નબીના પવિત્ર પ્રસંગે નબીની યાદમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ગામમાં ભવ્ય જુલૂસ પણ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
જુલૂસ દરમિયાન ગામના હિન્દુ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતા તથા ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે નિવૃત્ત પી.આઈ. પ્રભાતસિંહ, તાલુકા સદસ્ય રાઠવા નગીનભાઈ તથા ગ્રામ પંચાયત સભ્ય નરેન્દ્રસિંહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન હિન્દુ-મુસ્લિમ એકતા અને પરસ્પર ભાઈચારાની મિસાલ જોવા મળી હતી. ગ્રામજનોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદે મિલાદુન્નબીના પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી.રાજગઢ પાલ્લા ગામમાં યોજાયેલી આ ઉજવણી દરમિયાન એકતા, ભાઈચારો અને સૌહાર્દનો સુંદર સંદેશ સમાજ સમક્ષ પ્રસ્તુત થયો હતો.