નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન. કુરેશી :-

નસવાડી : પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા ﷺની પવિત્ર યાદમાં નસવાડી ખાતે ઈદ-એ-મિલાદ-ઉન્નબીની હર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરના સરકાર ફળિયા ચાર રસ્તા પાસે આવેલી નુરાની જામા મસ્જિદથી ભવ્ય જુલૂસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો જોડાયા હતા.
જુલૂસ દરમિયાન *“સરકાર કી આમદ મરહબા, પુરનૂર કી આમદ મરહબા”*ના પવિત્ર નારાઓથી સમગ્ર નસવાડી નગર ધાર્મિક ભક્તિભાવમાં લીન થઈ ગયું હતું. નુરાની જામા મસ્જિદથી શરૂ થયેલું જુલૂસ સરકાર ફળિયા ચાર રસ્તા, સ્ટેશન વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કવાંટ રોડ સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ પૂર્વ નિર્ધારિત માર્ગો પરથી ફરીને જુલૂસ પરત નુરાની જામા મસ્જિદ ખાતે પહોંચ્યું હતું અને ત્યાં સંપન્ન થયું હતું.
હિન્દુ-મુસ્લિમ એકતા અને કોમી સૌહાર્દના દ્રશ્યો ઈદ-એ-મિલાદની આ ઉજવણી દરમિયાન નસવાડીમાં કોમી સૌહાર્દ અને હિન્દુ-મુસ્લિમ એકતાની ભાવના જોવા મળી હતી. જુલૂસના માર્ગો પર વિવિધ સ્થળોએ શ્રદ્ધાળુઓ દ્વારા *‘ન્યાઝ’ (પ્રસાદ)*નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ન્યાઝ કોઈપણ જાતના ભેદભાવ વિના તમામ ધર્મના લોકોને પ્રેમ અને આદરપૂર્વક પીરસવામાં આવી હતી, જેના કારણે સમાજમાં ભાઈચારો અને એકતાનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો.
15 કિલોની કેક કાપી ઉજવણીસરકાર ફળિયા ચાર રસ્તા ખાતે જુલૂસ દરમિયાન 15 કિલોની વિશાળ કેક કાપવામાં આવી હતી અને ઉપસ્થિત લોકોને પ્રસાદરૂપે તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર દિવસ દરમિયાન સ્થાનિક નાગરિકો દ્વારા જુલૂસનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ, પ્રેમપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ભવ્ય જુલૂસ સંપન્ન થયો હતો. આ સાથે સમગ્ર નસવાડી નગરમાં ઈદ-એ-મિલાદને લઈને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.