ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / Panchmahal: “સેવા સંકલ્પ અભિયાન”ની ઉજવણી તા. 17 સપ્ટેમ્બરથી તા. 17 ઓક્ટોબર, 2026 દરમિયાન કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સક્રિયપણે શ્રમદાન કરી સ્વચ્છતા તથા પર્યાવરણ જતનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મહેસૂલ વિભાગ માટે તા. 2 ઓક્ટોબર, 2026ના રોજ સ્વચ્છતા અંગેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના માર્ગદર્શન હેઠળ પાવાગઢ ખાતે મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાન દરમિયાન મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા માટે શ્રમદાન કરવામાં આવ્યું હતું. અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની સ્વચ્છતા પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી.
“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત સ્વચ્છતા, પર્યાવરણ જતન અને જાહેર સ્થળોની સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવવા તેમજ સ્વચ્છ અને સુંદર મંદિર પરિસરનું નિર્માણ થાય તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર શ્રી જે.જે. પટેલ, હાલોલ પ્રાંત અધિકારી શ્રી પટેલ સહિત મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તથા મહેસૂલ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
