ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / National: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે દેશની મોટી ખાનગી ફ્યુઅલ રિટેલ કંપની નાયરા એનર્જી (Nayara Energy) એ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ શનિવાર સવારથી દેશભરમાં આવેલા પોતાના 7,108 ફ્યુઅલ સ્ટેશનો પર પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 5 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 3નો વધારો અમલમાં મૂક્યો છે.
રિપોર્ટ મુજબ, ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ 100 ડોલરને પાર પહોંચતા કંપનીએ આ નિર્ણય લીધો છે. અગાઉ ઈરાન અને વેસ્ટ એશિયામાં રાજકીય તણાવના કારણે માર્ચ મહિનામાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્રૂડના ભાવ ઘટતા 1 જુલાઈના રોજ કંપનીએ વધારેલો ભાવ પાછો ખેંચી લીધો હતો. જોકે, હવે ફરીથી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થતાં કંપનીએ પોતાના ફ્યુઅલ સ્ટેશનો પર નવા દર લાગુ કર્યા છે.
સરકારી કંપનીઓના પંપ પર ભાવ યથાવત
નાયરા એનર્જી દ્વારા કરવામાં આવેલો આ ભાવવધારો માત્ર તેના પોતાના ફ્યુઅલ સ્ટેશનો પૂરતો જ સીમિત છે. દેશના 90 ટકાથી વધુ ઈંધણ બજાર પર નિયંત્રણ ધરાવતી સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) એ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. તેથી સરકારી કંપનીઓના પંપ પર ગ્રાહકોને જૂના ભાવે જ ઈંધણ મળી રહેશે.
