ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

Kalam Ki Sarkar News / Panchmahal: મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે બામરોલી રોડ પર આવેલા બહેરા મૂંગા વિદ્યાલય ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને બાળ સુરક્ષા એકમ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓને T.L.M. કિટ, ફોલ્ડિંગ વ્હીલચેર, બસ-પાસ અને હિયરિંગ એઇડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાલક માતા-પિતા યોજના, સંત સૂરદાસ યોજના તથા દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળના મંજૂરી હુકમો આપીને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ તથા ગોધરા નગર ભાજપ પ્રમુખ નિર્મિતભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
