ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / Panchmahal: રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતોને તેમની પેદાશોનું યોગ્ય વળતર મળી રહે તે હેતુથી પંચમહાલ જિલ્લાના હાલોલ APMC ખાતે તાલુકા કક્ષાના ‘પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં આશરે 100 જેટલા વેચાણ કેન્દ્રોના પ્રારંભ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
પંચમહાલ જિલ્લામાં અન્ય 11 કાયમી પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્રોનું બાંધકામ હાલમાં પ્રગતિ હેઠળ છે. જેમાં ગોધરા ખાતે 4, હાલોલ ખાતે 2, શહેરા ખાતે 1, મોરવા (હ) ખાતે 1, કાલોલ ખાતે 1, ઘોઘંબા ખાતે 1 અને જાંબુઘોડા ખાતે 1 કેન્દ્રનો સમાવેશ થાય છે. આ તમામ કેન્દ્રોનું બાંધકામ પૂર્ણ થતાં જ ખેડૂતો માટે ખુલ્લા મૂકવામાં આવશે.
પ્રાકૃતિક કૃષિ જમીનનું સ્વાસ્થ્ય જાળવવા, પાણીનું સંરક્ષણ કરવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવાની એક સમગ્ર વિચારધારા છે. બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપ્સા અને મિશ્ર પાક પદ્ધતિ જેવા પાંચ આયામો અપનાવીને ખેડૂતો સ્થાનિક સંસાધનોમાંથી જ ખાતર અને ઇનપુટ્સ તૈયાર કરી શકે છે, જેના કારણે બહારથી ખરીદી કરવાનો ખર્ચ ઘટે છે.
ઉત્પાદનથી બજાર સુધીની સમગ્ર ‘Value Chain’ને મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે આ વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે. તેના દ્વારા ગ્રાહકોને ગુણવત્તાસભર પ્રાકૃતિક કૃષિ પેદાશો મળી રહે તેમજ ખેડૂતોની સમૃદ્ધિ સાથે ગુજરાતની કૃષિ વધુ આધુનિક અને ટકાઉ બને તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે હાલોલના ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર, GNFSU હાલોલના વાઇસ ચાન્સેલર ડો. એસ. કે. ટાંબડીયા, પ્રાંત અધિકારીશ્રી જે.ડી. પટેલ, પંચમહાલ જિલ્લા રજિસ્ટ્રારશ્રી દિનેશ ચૌધરી, APMC હાલોલના ચેરમેનશ્રી નારાયણભાઈ રાઠવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.જે. પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી મહિપાલસિંહ જાદવ તેમજ APMCના ડિરેક્ટરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, ખેતીવાડી ખાતાના ગ્રામસેવકો, આત્મા પ્રોજેક્ટના સ્ટાફ અને ગુ.રા.પ્રા.કૃ.વિ. બોર્ડના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
