ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / Godhra: “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વર્ષ 2026ના ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ હેઠળ ગોધરા શહેરના હિલ પાર્ક વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્ર ખાતે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નાના ભૂલકાઓ સાથે સહભાગી બની તેમને ફળો તેમજ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધે તે હેતુથી પ્રોત્સાહનરૂપે સ્લેટ, પેન, નોટબુક સહિતની શૈક્ષણિક સામગ્રી પણ ઇનામ સ્વરૂપે આપવામાં આવી હતી.
આ પ્રસંગે હિલ પાર્ક આંગણવાડી કેન્દ્રના કાર્યકર પરવીનબેન તેમજ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવતી સેવાઓની પ્રશંસા કરી તેમને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. હિલ પાર્ક આંગણવાડી કેન્દ્રના કાર્યકર દ્વારા બાળકોને આપવામાં આવતા શિક્ષણ અને માર્ગદર્શનની અસર પણ કાર્યક્રમ દરમિયાન જોવા મળી હતી. નાના બાળકોએ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક બાબતોનું સુંદર પ્રદર્શન કરી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. બાળકોની સુંદર રજૂઆતને ઉપસ્થિત મહાનુભાવોએ તાળીઓના ગડગડાટથી વધાવી લઈ તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમના માધ્યમથી બાળકોને પોષણ, શિક્ષણ અને પ્રોત્સાહન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પગલે આંગણવાડી કેન્દ્રના બાળકોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
