પંચમહાલ કલેક્ટર અજય દહિયાની લીલેસરા ગામે મુલાકાત, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કર્યા

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

Kalam Ki Sarkar News / પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં જમીન, પાણી અને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ ગોધરા તાલુકાના લીલેસરા ગામે આવેલા પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ લીલેસરા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી શંકરભાઈ જગુભાઈ વસાવાના મોડેલ ફાર્મનું પંચનામું કરી નિરીક્ષણ કર્યું હતું. તેમણે ફાર્મમાં અપનાવવામાં આવેલી પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.

ફાર્મની મુલાકાત બાદ યોજાયેલા વાર્તાલાપ કાર્યક્રમમાં કલેક્ટરશ્રીએ ઉપસ્થિત ગ્રામજનો અને ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા તેમજ માનવ સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

કલેક્ટરશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીન અને પર્યાવરણના સંરક્ષણમાં સહભાગી બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા માટે ખેડૂતોને પ્રેરણા આપી હતી.

આ કાર્યક્રમનું આયોજન ‘આત્મા પ્રોજેક્ટ’ (ATMA) અને ‘ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ, પંચમહાલ’ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કલેક્ટરની મુલાકાત દરમિયાન કૃષિ વિભાગના અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.



આ પણ વાંચો :-