સેવાસેતુ 2.1: પંચમહાલમાં 59 ક્લસ્ટરમાં કેમ્પ, સરકારી યોજનાઓનો લાભ હવે ઘરઆંગણે…

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

Kalam Ki Sarkar News / Seva Setu 2.1: પંચમહાલ જિલ્લામાં નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મેળવવા જરૂરી પાયાના દસ્તાવેજો અને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે ‘સેવાસેતુ 2.1’ અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

‘સેવાસેતુ 2.1’ના પ્રથમ તબક્કા હેઠળ તા. 6 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર 2026 દરમિયાન તાલુકા કક્ષાએ દસ્તાવેજો અને વિવિધ સેવાઓ સંબંધિત કામગીરી હાથ ધરાઈ રહી છે. હવે બીજા તબક્કામાં તા. 21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર 2026 દરમિયાન પંચમહાલ જિલ્લામાં આશરે 59 ક્લસ્ટર બનાવી સેવા સેતુ કેમ્પ યોજાશે.

8થી 10 ગામોનું એક ક્લસ્ટર

આ તબક્કામાં આશરે 8થી 10 ગામોને એક ક્લસ્ટરમાં આવરી લઈ દરેક ક્લસ્ટર દીઠ એક કેમ્પ યોજાશે. કેમ્પમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન, દસ્તાવેજોની કામગીરી અને પાત્રતા મુજબ યોજનાકીય લાભ આપવામાં આવશે.

કેમ્પમાં આધારકાર્ડ નોંધણી અને સુધારા, રાશનકાર્ડ, e-KYC, આવકના દાખલા, PM-JAY, PM-KISAN, Soil Health Card, માતૃશક્તિ યોજના, KCC, બેન્કિંગ સેવાઓ, વારસાઈ નોંધ તથા 7/12 સાથે આધાર જોડાણ સહિતની સેવાઓ ઉપલબ્ધ રહેશે. સ્થાનિક જરૂરિયાત મુજબ અન્ય સરકારી સેવાઓનો લાભ પણ આપવામાં આવશે.

નાગરિકોને જિલ્લા વહીવટી તંત્રની અપીલ

જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ નાગરિકોને સેવાસેતુ કેમ્પમાં સહભાગી બની જરૂરી દસ્તાવેજો તૈયાર કરાવવા અને પોતાની પાત્રતા મુજબ રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી છે.

નાગરિકોએ કેમ્પમાં આવતા સમયે જરૂરી દસ્તાવેજો સાથે રાખવા તેમજ કેમ્પની તારીખ અને સ્થળ અંગે ગ્રામ પંચાયત અથવા સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી માહિતી મેળવી સમયસર હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સેવાસેતુ 2.1નો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળ, પારદર્શક અને નાગરિકોના નજીકના સ્થળે પહોંચાડવાનો છે.



આ પણ વાંચો :-