નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન. કુરેશી :-

Kalam Ki Sarkar News / Naswadi: નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા. 8 સપ્ટેમ્બર 2026ના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની નસવાડી શાખામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સ્ટેટ ગવર્નમેન્ટ સેલેરી પેકેજ (SGSP) યોજનામાં સમાવિષ્ટ પ્રાથમિક શિક્ષકોને ₹10 લાખના ઈન્સ્યોરન્સ કવરેજની પોલીસી તથા તેની નકલ ઉપલબ્ધ કરાવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.
સંઘ દ્વારા જણાવાયું હતું કે SBI દ્વારા સ્ટેટ ગવર્નમેન્ટ સેલેરી પેકેજ હેઠળ પ્રાથમિક શિક્ષકો માટે ઈન્સ્યોરન્સની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં છોટાઉદેપુર જિલ્લામાં અનેક શિક્ષકોને હજુ સુધી ઈન્સ્યોરન્સ પોલીસીની નકલ આપવામાં આવી નથી.
આથી સંઘે માંગ કરી હતી કે દરેક તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ પાસેથી પ્રાથમિક શિક્ષકોની જરૂરી માહિતી મેળવી દરેક પાત્ર શિક્ષકની ₹10 લાખની ઈન્સ્યોરન્સ પોલીસી કરાવવામાં આવે, તેનું પ્રીમિયમ બેન્ક દ્વારા ભરવામાં આવે તેમજ પોલીસીની નકલ સંબંધિત શિક્ષકોને આપવામાં આવે.
સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પરસોત્તમભાઈ આર. રાઠવા, મહામંત્રી મુકેશકુમાર વી. ભીલ, છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી દિનેશભાઈ કે. રાઠવા, રાજ્ય પ્રતિનિધિ રાજેશભાઈ વસાવા સહિત સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ રજૂઆત અંગે બેન્ક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી તમામ પાત્ર પ્રાથમિક શિક્ષકોને ઈન્સ્યોરન્સ પોલીસી તથા તેની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી સંઘ દ્વારા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
