ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

જનપ્રતિનિધિઓના વિવિધ પ્રશ્નો અંગે સબંધિત અધિકારીઓને ત્વરિત કામગીરી કરવા તાકીદ કરાઈ

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીઆ ના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરાના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીઆ એ સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લામાં વિવિધ બાબતો જેમ કે શાળાઓના જર્જરિત મકાનોને સમયસર ઉતારી લેવા બાબતે, પાવાગઢ યાત્રાધામમાં યાત્રાળુઓને પીવાના પાણીની સુવિધા યોગ્ય રીતે મળી રહે તે અંગે, ગોચરની જમીનના સંપાદન તથા તેના પર કરવામાં આવેલા દબાણ અંગે, જિલ્લામાં વીજળીના થાંભલાઓ પર ચડેલ વનસ્પતિના નિકાલ તથા વારંવાર થતાં વીજ કાપના પ્રશ્નો અંગે, અતિ ભારે વરસાદને કારણે જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં આવેલા ખેતરોમાં ઉભેલા પાકને થયેલ નુકસાનનો સર્વે કરી ખેડૂતોને નુકસાન ભરપાઈ અંગેનું નાણાંકીય સહાય ચુકવાય તે બાબતે તેમજ જિલ્લામાં આવેલા માર્ગો પર વરસાદને કારણે પડેલા ખાડાઓ પુરવા માટે સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

આ ઉપરાંત જન પ્રતિનિધિશ્રીઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા તથા  પ્રજાલક્ષી પ્રશ્નો માટે કરેલ રજૂઆતનો તુરંત જ પ્રતિસાદ આપવા અને ત્વરિત  કામગીરી કરવા શ્રી બારીઆએ તાકીદ કરી હતી.

આ બેઠકમાં સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, ધારાસભ્ય સર્વશ્રી સી.કે.રાઉલજી, જયદ્રથસિંહ પરમાર અને ફતેસિંહ ચૌહાણ, અધિક કલેકટરશ્રી એમ.ડી.ચૂડાસમા, પ્રાંત અધિકારીશ્રીઓ તથા અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.