સાથરોટા જનકલ્યાણ શિબિરમાં પહોંચ્યા જિલ્લા કલેક્ટર અજય દહિયા, 70 જેટલી સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગ્રામજનોને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા કલેક્ટરની અપીલ, ‘પ્રગતિપથ યાત્રા’ અંતર્ગત હાલોલ વિસ્તારની મુલાકાત

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ 12 વર્ષના શાસનકાળની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં ‘વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ’ના મંત્ર સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં આયોજિત ‘પ્રગતિપથ યાત્રા’ના બીજા તબક્કા અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ હાલોલ વિસ્તારની મુલાકાત લઈ વિવિધ કાર્યક્રમોમાં સહભાગિતા નોંધાવી હતી.

પ્રવાસ દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ હાલોલ સ્થિત પ્રસિદ્ધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક ધરોહર સમાન વિરાસત વનની મુલાકાત લઈ ત્યાંની સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ હાલોલ તાલુકાના સાથરોટા ગામે આયોજિત જનકલ્યાણ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા.

શિબિરને સંબોધતા જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી સરળતાથી પહોંચે તે માટે વહીવટી તંત્ર સતત કાર્યરત છે. સાથરોટા ગામમાં આયોજિત આ જનકલ્યાણ શિબિરમાં રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમ હેઠળની 55 જેટલી યોજનાઓ અને કેન્દ્ર સરકારની 15 મહત્વાકાંક્ષી યોજનાઓ સહિત કુલ 70 જેટલી યોજનાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

તેમણે ગ્રામજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે પાત્ર લાભાર્થીઓએ શિબિરનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ જેથી કોઈપણ વ્યક્તિ સરકારની યોજનાઓથી વંચિત ન રહે.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા માહિતી, માર્ગદર્શન, અરજી સ્વીકાર, પ્રમાણપત્ર વિતરણ, દસ્તાવેજ સંબંધિત સેવાઓ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પેન્શન સહાય, આરોગ્ય તપાસણી સહિતની અનેક સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

કાર્યક્રમમાં આંગણવાડી, આરોગ્ય વિભાગ તથા અન્ય વિવિધ વિભાગોના સ્ટોલ કાર્યરત રાખવામાં આવ્યા હતા. મહાનુભાવોએ સ્ટોલોની મુલાકાત લઈને લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને યોજનાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો હતો.

આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર, સ્થાનિક અગ્રણીઓ, વહીવટી અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :-