સુરા સુલતાનપુરામાં પ્રાકૃતિક ખેતીને મળ્યો વેગ: GNFSU દ્વારા ખરીફ પાક નિદર્શન અને તાલીમ કાર્યક્રમ યોજાયો…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

PMDS પદ્ધતિથી ડાંગરની પ્રાકૃતિક વાવણીનું જીવંત નિદર્શન, 50થી વધુ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU) દ્વારા હાલોલ તાલુકાના સુરા સુલતાનપુરા ગામે “ખરીફ ઋતુ પાક નિદર્શન અને તાલીમ કાર્યક્રમ 2026-27” અંતર્ગત પ્રાકૃતિક કૃષિ વિષયક વિશેષ તાલીમ અને નિદર્શન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડીયાના માર્ગદર્શન અને પ્રેરણાથી કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક અને વ્યવહારુ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કિરણ રાઠોડે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, દેશી ગાય આધારિત કૃષિ પદ્ધતિઓ, પાક સંરક્ષણની પ્રાકૃતિક તકનીકો તેમજ પર્યાવરણમૈત્રી ખેતીના લાભો વિશે માહિતગાર કર્યા હતા.

તાલીમના પ્રાયોગિક સત્રમાં યુનિવર્સિટીના સિનિયર રિસર્ચ ફેલો શ્રી મહેન્દ્ર મેવાડાએ ખેડૂતોને PMDS (Pre-Monsoon Dry Sowing) એટલે કે ચોમાસા પહેલાંની સૂકી વાવણી પદ્ધતિ અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે નિદર્શન પ્લોટ પર ડાંગરના પાકની પ્રાકૃતિક રીતે વાવણી કરવાની પદ્ધતિનું જીવંત પ્રદર્શન કરીને ખેડૂતોને વ્યવહારુ સમજણ આપી હતી.

આ કાર્યક્રમમાં સુરા સુલતાનપુરા તથા આસપાસના ગામોના 50થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલીમ બાદ અનેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં આવી પદ્ધતિઓનો વધુ વ્યાપક ઉપયોગ કરવાની તૈયારી દર્શાવી હતી.

કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવાનો, ખેતી ખર્ચમાં ઘટાડો કરવાનો અને ટકાઉ તેમજ પર્યાવરણમૈત્રી કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો હતો. ઉપસ્થિત ખેડૂતો માટે આ તાલીમ અને નિદર્શન કાર્યક્રમ અત્યંત ઉપયોગી, માહિતીસભર અને પ્રેરણાદાયી સાબિત થયો હતો.

GNFSU દ્વારા આયોજિત આ પહેલ પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોને આત્મનિર્ભર તથા ટકાઉ કૃષિ તરફ પ્રેરિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-