NEET પેપર લીક મામલે વડોદરામાં NSUIનો ઉગ્ર વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

વડોદરા શહેરમાં આજે NSUI દ્વારા NEET પેપર લીક મુદ્દે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

NSUIના કાર્યકરોએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના શાસનમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય સ્તરની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટવાની તેમજ ભ્રષ્ટાચારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. જેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે NEET પેપર લીક કૌભાંડમાં સામેલ તમામ જવાબદારો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પારદર્શક અને કડક વ્યવસ્થા અમલમાં મુકવામાં આવે. વિરોધ દરમિયાન કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી હતી.

ઉલ્લેખનીય છે કે ધોરણ 12 બાદ મેડિકલ પ્રવેશ માટે તા. 3 મેના રોજ લેવાયેલી NEET Exam 2026 પરીક્ષાનું પેપર લીક થયાનું બહાર આવતા પરીક્ષા લેનાર National Testing Agencyએ પરીક્ષા નવેસરથી લેવાની જાહેરાત કરી છે. જેના કારણે દેશભરના 22 લાખ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવી પડશે, જેમાં વડોદરા શહેરના 6000થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-