વીજલાઇન વળતર મુદ્દે મોરબીમાં ખેડૂતોનો સત્યાગ્રહ વધુ ઉગ્ર: હજારો ખેડૂતોની વિશાળ પદયાત્રા…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

નવા પરિપત્રમાં સુધારાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર; સરકાર સુધી રજૂઆત પહોંચાડવાની ખાતરી

મોરબી: વીજલાઇન વળતર અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્રના વિરોધમાં મોરબી જિલ્લાના ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. જેતપર ખેડૂત આંદોલન અંતર્ગત ‘સત્યાગ્રહ પાર્ટ-3’નો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં હજારો ખેડૂતો અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્રને ખેડૂતોના હિત વિરુદ્ધ ગણાવી, મહેન્દ્રનગર ચોકડીથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા યોજાઈ હતી. હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો પોતાની માંગણીઓ રજૂ કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.

*ગુજરાત ખેડૂત છાવણી જેતપર (મચ્છુ)*ના નેજા હેઠળ યોજાયેલી આ પદયાત્રામાં રાજ્યના 365 ગ્રામ પંચાયતોના સમર્થનપત્રો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા નવા પરિપત્રમાં જરૂરી સુધારા કરી યોગ્ય વળતર આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવાયું છે કે, ઊર્જા વિભાગના તા. 4 જુલાઈ, 2026ના ઠરાવમાં ખેડૂતોના હિતોને પૂરતું સ્થાન મળતું નથી. ટેલીગ્રાફ એક્ટ, 1885ની કલમ 10(ડી) મુજબ ખેડૂતોને થયેલા નુકસાનનું સંપૂર્ણ અને યોગ્ય વળતર મળે તે માટે ઠરાવમાં સુધારો કરવામાં આવે અને ત્યાં સુધી તેની અમલવારી સ્થગિત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરે ખેડૂતોને જણાવ્યું હતું કે, માર્કેટ રેટ કમિટીની રચના કરી તેમાં ખેડૂત પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વળતરના દરોમાં વધારો, અગાઉ વળતર મેળવનાર ખેડૂતોને પણ વધારાનું વળતર તેમજ માર્કેટ રેટ નક્કી થયા બાદ જ થાંભલા ઉભા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂતોનું આવેદનપત્ર રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવશે અને સરકારની માર્ગદર્શિકા મુજબ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



આ પણ વાંચો :-