લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ(પાલ્લાવાલા) :-

Kalam Ki Sarkar News / Mahisagar: ગુજરાત સરકાર દ્વારા તા. 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર, 2026 દરમિયાન રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મહીસાગર જિલ્લામાં ‘સેવા મારું યોગદાન’ અંતર્ગત ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર અને સાંસદ રાજપાલસિંહ જાદવની પ્રેરક ઉપસ્થિતિ
જિલ્લા વહીવટી તંત્ર, મહીસાગર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે જનરલ હોસ્પિટલ, લુણાવાડા ખાતે વિશેષ રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં ઉત્સાહી રક્તદાતાઓ દ્વારા 40 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર અને સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, અગ્રણી દશરથભાઈ બારિયા સહિત પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય તેમજ સ્થાનિક પદાધિકારીઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત તમામ મહાનુભાવો અને કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે હૃદયપૂર્વક મંગલકામનાઓ પાઠવી હતી.
કલેક્ટર અર્પિત સાગરે સ્વયં રક્તદાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું
“આપનું રક્ત કોઈનું મૂલ્યવાન જીવન બચાવી શકે છે” એવા ઉમદા સંદેશ સાથે યોજાયેલી આ શિબિરમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે સ્વયં રક્તદાન કરી માનવસેવાનું ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
કલેક્ટરના આ ઉમદા પગલાથી પ્રોત્સાહિત થઈ સ્થાનિક નાગરિકો, તબીબો તેમજ હોસ્પિટલ સ્ટાફે પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓના સહયોગથી કુલ 40 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું અને માનવતાના આ સેવાયજ્ઞમાં સૌએ પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું.
વધુ વખત રક્તદાન કરનાર રક્તદાતાઓનું સન્માન
કાર્યક્રમ દરમિયાન માનવસેવાના આ પવિત્ર કાર્યની સરાહના રૂપે સૌથી વધુ વખત રક્તદાન કરનાર રક્તદાતાઓનું મહાનુભાવોના હસ્તે વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
સમગ્ર રક્તદાન શિબિર સેવાભાવ અને લોકઉત્સાહના વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
