દાહોદ , સાજીદ શેખ :-

Kalam Ki Sarkar News / Dahod: મુગલકાળના દાહોદ, ગુજરાતના ઐતિહાસિક સૂફી સંત હઝરત ગૌસ અબ્દુન્નબી સુહરવર્દીનો 462મો ઉર્સ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગૌસ અબ્દુન્નબી ઉર્સ કમિટી દ્વારા દાહોદ જિલ્લા શહેર કાઝી સાહેબની સરપરસ્તીમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે.
20 સપ્ટેમ્બરે કુરાન ખ્વાની, જુલુસે સંદલ અને મિલાદનું આયોજન
રવિવાર, 20 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 10 કલાકે કુરાન ખ્વાની અને નિયાઝ શરીફનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ બપોરે 2:30 વાગ્યે દાહોદ કસ્બા ખાતે જુલુસે સંદલ નીકળશે. રાત્રે 9:00 કલાકે મિલાદનું આયોજન કરવામાં આવશે.
આ પ્રસંગે બહારગામ સાવલીથી હઝરત અલ્લામા વ મૌલાના સૈયદ અસગર અલી બાવા તથા વડોદરા ખાંકાહે કાદરીયાથી હઝરત અલ્લામા વ મૌલાના કારી સૈયદ મુહમ્મદ અઝીમુદ્દીન બાવા વાઅઝ ફરમાવશે. આ ઉપરાંત દાહોદ તેમજ દાહોદની બહારથી આવનારા ઉલમાએ કિરામ પણ ઉપસ્થિત રહેશે.
બહારગામથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે
હઝરત ગૌસ અબ્દુન્નબી સુહરવર્દીનો ઉર્સ દર વર્ષે શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવાય છે, જેમાં બહારગામથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે પણ ઉર્સમાં આવનારા મહેમાનો માટે ખાવા-પીવા તેમજ રહેવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.
સૂફી સંતના ઇતિહાસ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો
હઝરત ગૌસ અબ્દુન્નબી સુહરવર્દી ગૌસિયત, કુતુબિયત અને મહબૂબિયતનો મરતબો ધરાવે છે. 981 હિજરી અને ઈસ્વી સન 1573માં બાદશાહ અકબરે ગુજરાતની જીત બાદ આવા મહાન સૂફી સંતની બારગાહમાં હાજરી આપી ફૈઝ મેળવ્યો હતો.
આવા મહાન સૂફી સંતના ઇતિહાસ પર ફારસી ભાષામાં લેખો પણ લખાયેલા હોવાનું જણાવવામાં આવે છે. હઝરત ગૌસ અબ્દુન્નબી સુહરવર્દીની મઝાર દાહોદના પીર બખંડી કબ્રસ્તાનમાં આવેલી છે.
