લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

મહીસાગર: મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લાના નાગરિકોની સુવિધા અને ઝડપી ન્યાય માટે મહત્વપૂર્ણ જાહેર વિજ્ઞપ્તિ બહાર પાડવામાં આવી છે. જિલ્લાના બાલાસિનોર ટાઉન, બાલાસિનોર તાલુકા, વિરપુર, કડાણા અને સંતરામપુર વિસ્તારના નાગરિકોને હવે પોતાની અરજીઓ અને રજૂઆતો માટે લુણાવાડા કચેરી સુધી લાંબો પ્રવાસ કરવો નહીં પડે.
અત્યાર સુધી ઘણા નાગરિકોને જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં કરેલી લેખિત અરજીઓ અંગે યોગ્ય કાર્યવાહી ન થતા, કાર્યવાહીથી અસંતોષ રહેતા અથવા વિલંબ થતા વધુ રજૂઆત માટે આશરે 40 થી 50 કિલોમીટર દૂર આવેલી પોલીસ અધિક્ષક કચેરી લુણાવાડા પોલીસ અધિક્ષક કચેરી સુધી જવું પડતું હતું. જેના કારણે સામાન્ય, ગરીબ અને મધ્યમવર્ગના લોકોનો સમય તેમજ નાણાંનો વ્યય થતો હતો.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મહીસાગર પોલીસ દ્વારા નાગરિક સુખાકારી અને પોલીસ-પ્રજા વચ્ચે વધુ સમન્વય વધે તે હેતુથી નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
હવે દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે સાંજે 4:30 થી 7:00 વાગ્યા દરમિયાન પોલીસ અધિક્ષક સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે હાજર રહી કડાણા અને સંતરામપુર વિસ્તારના નાગરિકોની રૂબરૂ રજૂઆતો સાંભળશે.
તે જ રીતે દર મહિનાના બીજા અને ચોથા બુધવારે સાંજે 4:30 થી 7:00 વાગ્યા દરમિયાન બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હાજર રહી બાલાસિનોર ટાઉન, બાલાસિનોર તાલુકા અને વિરપુર વિસ્તારના નાગરિકોની અરજીઓ સાંભળવામાં આવશે.
જોકે અનિવાર્ય સંજોગોમાં નાગરિકો પોલીસ અધિક્ષક કચેરી, લુણાવાડા ખાતે પણ મળી શકશે.
મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વિના પોતાની પડતર ન્યાયિક રજૂઆતો માટે નિર્ધારિત દિવસે સીધા પોલીસ અધિક્ષકને મળી પોતાની વાત રજૂ કરે. આ નિર્ણયથી સામાન્ય જનતામાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
