ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / Gujarat Court Bomb Threat: ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારને બોમ્બ ધમકીભર્યો ઈ-મેલ મળતા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના સુરક્ષા તંત્રમાં ચકચાર મચી ગઈ છે. ઈ-મેલમાં અમદાવાદ અને સુરતની કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધમકીમાં RDX દ્વારા વિસ્ફોટ કરવાની વાત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ધમકીની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) સહિતની સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ હતી. સાવચેતીના પગલારૂપે અમદાવાદની ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટ અને લાલદરવાજા સ્થિત સેશન્સ કોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
ઘી કાંટા અને લાલદરવાજા કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ શરૂ
અમદાવાદની ઘી કાંટા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો કોર્ટ પરિસરમાં પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.
લાલદરવાજા સ્થિત સેશન્સ કોર્ટને પણ ધમકી મળતાં ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. BDDSની ટીમે ડોગ સ્ક્વોડની મદદથી કોર્ટ પરિસરના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી.
સુરક્ષા એજન્સીઓ દ્વારા શંકાસ્પદ વસ્તુઓની તપાસ
ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરમાં લોકોની અવરજવર નિયંત્રિત કરવામાં આવી હતી. સુરક્ષા ટીમો દ્વારા કોર્ટના વિવિધ વિભાગો, આસપાસના વિસ્તારો અને શંકાસ્પદ જણાતી વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી હતી.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યા હતા. ધમકીભર્યા ઈ-મેલને પગલે અમદાવાદ સહિત સંબંધિત કોર્ટ પરિસરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સાવચેતીના તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
