મહીસાગર : પતિ-પત્નીના ઝઘડામાં 181 અભયમ ટીમે કરાવ્યું સુખદ સમાધાન…

લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના એક ગામમાંથી 24 વર્ષીય પરણીતાએ 181 મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી મદદ માંગી હતી.

મહિલાએ ફરિયાદ કરી હતી કે તેનો પતિ વારંવાર દારૂના નશામાં માનસિક અને શારીરિક હેરાનગતિ કરતો હતો તેમજ મારપીટ કરી ઘરનું વાતાવરણ અશાંત બનાવતો હતો.

માહિતી મળતા જ 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરણીતાનું કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું.

વાતચીત દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે પતિ નશો કરીને ઘરમાં ચીજવસ્તુઓ તોડી નુકસાન પહોંચાડે છે અને ગુસ્સામાં વસ્તુઓ ફેંકતા તેને ઇજાઓ પણ પહોંચી હતી. સતત થતી આ હેરાનગતિના કારણે તે માનસિક રીતે પરેશાન થઈ ગઈ હતી.

ત્યારબાદ 181 ટીમે મહિલાના પતિ સાથે વિગતવાર વાતચીત કરી સમજાવટ આપી હતી. ટીમ દ્વારા મહિલાઓ પર હાથ ઉઠાવવાના ગંભીર પરિણામો અંગે સમજાવવામાં આવ્યું હતું તેમજ દારૂના નશાથી પરિવાર અને જીવન પર થતી નકારાત્મક અસરો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ઘરની જવાબદારીઓ નિભાવવા અને પત્ની સાથે સન્માનપૂર્ણ વર્તન રાખવા સમજાવવામાં આવ્યું હતું.

લાંબા સમય સુધી કાઉન્સેલિંગ અને સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને પત્નીની માફી માંગી હતી. તેણે ભવિષ્યમાં દારૂનો નશો કરી હેરાનગતિ નહીં કરવા, મારપીટ નહીં કરવા અને શાંતિપૂર્ણ રીતે પરિવાર સાથે જીવન જીવવાની બાહેધરી આપી હતી.

અંતે 181 અભયમ ટીમની સમજદારી અને સંવેદનશીલ કામગીરીના પરિણામે પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન થયું હતું. પરણીતાએ ટીમનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે સમયસર મળેલી મદદથી તેના પરિવારમાં ફરી શાંતિનો માહોલ સર્જાયો છે.