ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ભાવનગર : ધોરણ 12 બાદ ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જીકાસ (GCAS) પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે. પ્રથમ રાઉન્ડ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 મે નક્કી કરવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓને સમયસર માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ન મળતા હવે સમયગાળો વધારવાની માંગ ઉઠવા પામી છે.
મળતી માહિતી મુજબ, એકેડેમિક વર્ષ 2026-27 માટે પ્રથમ વર્ષના પ્રવેશ માટે ગુજરાત સરકાર દ્વારા કોમન એડમિશન પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓએ 28 મે સુધીમાં ઓનલાઈન અરજી પૂર્ણ કરવાની રહેશે. જોકે, ધોરણ 12નું પરિણામ જાહેર થયા બાદ પણ 21 મે સુધી ઘણા વિદ્યાર્થીઓને શાળાઓ તરફથી માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યા નહોતા.
પ્રવેશ પ્રક્રિયામાં તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના હોવાથી વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરીને જીકાસની પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ઓછામાં ઓછા સાત દિવસનો વધારો કરવાની માંગ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓનું કહેવું છે કે પૂરતા દસ્તાવેજો વગર પ્રવેશ ફોર્મ ભરવું મુશ્કેલ બની રહ્યું છે, જેથી સમયમર્યાદા વધારવામાં આવે તો વિદ્યાર્થીઓને મોટી રાહત મળી શકે.