ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની પુણ્યતિથિ નિમિત્તે મદ્રેસા નૂરે મોહમ્મદીમાં પ્રેરણાદાયી કાર્યક્રમ, બાળકોને ચોકલેટ વિતરણ…

લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ :-

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને “મિસાઇલ મેન” તરીકે વિશ્વભરમાં જાણીતા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબની પુણ્યતિથિના અવસરે મોડાસા ફળી વિસ્તારમાં આવેલ મદ્રેસા નૂરે મોહમ્મદી ખાતે નાના બાળકો માટે ચોકલેટ વિતરણ તેમજ પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મદ્રેસાના આલીમોએ બાળકોને ડૉ. કલામના જીવનપ્રવાસ, શિક્ષણ પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા, દેશસેવામાં આપેલા અમૂલ્ય યોગદાન અને તેમના આદર્શો વિશે સરળ અને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ તમામ બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું કે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ એવા મહાન વૈજ્ઞાનિક હતા, જેમણે ભારતને પરમાણુ શક્તિથી સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને વિશ્વસ્તરે ભારતને આગવી ઓળખ અપાવી. તેમના જીવનમાંથી પ્રેરણા લઈને ખાસ કરીને મુસ્લિમ સમાજના બાળકોમાં દેશસેવા, શિક્ષણ પ્રત્યેની લગન અને રાષ્ટ્રભાવના વિકસે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહીસાગર જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી અને મોડાસા ફળી પંચ B-56ના પ્રમુખ અબ્દુલ રહીમ શેખ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત લુણાવાડા નગર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મોહમ્મદભાઈ મિર્ઝા, મહામંત્રી સલીમભાઈ ઝરખ, ઉપપ્રમુખ ઈરફાનખાન પઠાણ તેમજ મોરચાના અન્ય હોદ્દેદારો અને કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન મદ્રેસા નૂરે મોહમ્મદી, મોડાસા ફળી B-288ના પ્રમુખ અને સંચાલક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પ્રેરણાદાયી વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો.



આ પણ વાંચો :-