લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ :-

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 108 ઇમર્જન્સી સેવાની ટીમે સમયસર કામગીરી કરીને સ્થળ પર જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત બાળકીનો જીવ બચાવ્યો છે.
તા. 26 જુલાઈની રાત્રે અંદાજે 9:44 કલાકે સંતરામપુર તાલુકાના ગામડી ગામના ચાંદેલી ફળિયામાં રહેતી એક સગર્ભા મહિલાને અચાનક પ્રસુતિની પીડા શરૂ થતાં પરિવારજનોએ તાત્કાલિક 108 ઇમર્જન્સી સેવાનો સંપર્ક કર્યો હતો.
માહિતી મળતા જ સંતરામપુર 108ની ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી હતી. ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) ધવલ પટેલે સગર્ભાની તપાસ કરતાં પરિસ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જણાયું અને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રસુતિ કરાવવી જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું.
પ્રસુતિ દરમિયાન નવજાત બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હોવાનું સામે આવ્યું હતું. આવી સંવેદનશીલ સ્થિતિમાં EMT ધવલ પટેલે ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના સેન્ટ્રલ ફિઝિશિયન ડૉ. રુચિ મેડમની ટેલિફોનિક સલાહ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા આપવામાં આવેલી તાલીમના આધારે સ્થળ પર જ સફળ અને સુરક્ષિત પ્રસુતિ કરાવી હતી.
મહિલાએ સ્વસ્થ નવજાત પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા અને બાળકી બંનેને વધુ સારવાર માટે સરકારી કોટેજ હોસ્પિટલ, લુણાવાડા ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
108 ઇમર્જન્સી સેવાની ઝડપી કામગીરી અને સમયસૂચકતાના કારણે માતા અને નવજાત બાળકીનો જીવ સુરક્ષિત બચી ગયો હતો. આ બદલ પરિવારજનોએ EMT ધવલ પટેલ, પાયલોટ હરીશભાઈ રાણા તેમજ 108 ઇમર્જન્સી સેવાની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત સરકારના માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના અભિગમને સાકાર કરતી સંતરામપુર 108 ઇમર્જન્સી સેવાની ટીમની આ કામગીરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ બની છે.
