લુણાવાડા ટાઉન પોલીસની મોટી સફળતા: મોબાઇલ અને એલઈડી ટીવી ચોરી કરનાર આરોપી રૂ. 81 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયો…

લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ :-

મહીસાગર: લુણાવાડા ટાઉન પોલીસે મિલ્કત સંબંધિત ગુનાઓ સામે હાથ ધરેલી સઘન કામગીરી દરમિયાન મોબાઇલ અને એલઈડી ટીવીની ચોરી કરનાર એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી રૂ. 81,000નો ચોરાયેલ મુદ્દામાલ કબજે કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે.

પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી, મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસન તથા લુણાવાડા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વણશોધાયેલા મિલ્કત સંબંધિત ગુનાઓ ઉકેલવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંતર્ગત લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી.

તા. 15 જુલાઈ, 2026ના રોજ પોલીસને હ્યુમન સોર્સ મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે, લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ એક શખ્સ ચોરાયેલ મુદ્દામાલ સાથે નંબર પ્લેટ વગરની હીરો CD ડિલક્સ મોટરસાયકલ પર મોડાસા હાઇવે રોડ પરથી લુણાવાડા તરફ આવી રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસ દ્વારા વેરી પુલ નજીક હાઇવે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબનો શખ્સ આવતા તેને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. તેણે પોતાનું નામ હર્ષકુમાર ભૂપેન્દ્રભાઈ ભોઈ (ઉ.વ. 23) હોવાનું જણાવ્યું હતું. હાલ તે સત્ય વિજય સોસાયટી, ગોવિંદીનગર, કંજરી (હાલોલ) ખાતે રહેતો હોવાનું અને મૂળ લુણેશ્વર ચોકડી, લુણાવાડાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.

આરોપીને પોલીસ સ્ટેશન લાવી સઘન પૂછપરછ કરતાં તેણે લુણાવાડાના ભોઈવાડા વિસ્તાર તેમજ જી.ઈ.બી. ઓફિસ સામે આવેલા અલગ-અલગ મકાનોમાં ઘૂસી મોબાઇલ ફોન અને એલઈડી ટીવીની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપીના કબજામાંથી અલગ-અલગ કંપનીના 5 મોબાઇલ ફોન, 2 એલઈડી ટીવી તથા એક મોટરસાયકલ મળી કુલ રૂ. 81,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

લુણાવાડા ટાઉન પોલીસે નોંધાયેલા ચોરીના બંને ગુનાઓનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



આ પણ વાંચો :-