ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
સાંસદ રાજપાલસિંહ જાદવ અને જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલની ઉપસ્થિતિમાં કેમ્પનો પ્રારંભ, વિવિધ પશુચિકિત્સા સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાઈ

પંચમહાલ: પંચમહાલ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ સંચાલિત કાલોલ પશુ દવાખાના દ્વારા કાલોલ તાલુકાના કરોલી ગામે પશુ આરોગ્ય મેળા અંતર્ગત *‘પશુ રોગ નિદાન, સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પ’*નું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પનું ઉદ્ઘાટન સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ અને પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નીરજભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ગૌપૂજન સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ પશુપાલકોને સંબોધતા પશુધનની જાળવણી, આરોગ્ય સંભાળ અને સમયસર સારવારના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમજ વધુમાં વધુ પશુપાલકોને કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કેમ્પ દરમિયાન પશુઓ માટે વિવિધ સેવાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં પશુઓનું રસીકરણ, વિવિધ રોગોની સારવાર, વેતરે આવેલા પશુઓ માટે કૃત્રિમ બીજદાન, વારંવાર ઉથલા મારતી (વેતરે ન આવતી) ગાય અને ભેંસ માટે જાતીય આરોગ્યની વિશેષ સારવાર, ‘ભારત પશુધન પોર્ટલ’ પર ઓનલાઈન નોંધણી, ગાય, ભેંસ, ઘેટાં અને બકરાં માટે કૃમિનાશક દવાઓનું વિતરણ તથા ડોઝ પીવડાવવાની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત તણછ, હોર્ન કેન્સર (શિંગડાનું કેન્સર), રસોળી જેવા રોગો માટે નિઃશુલ્ક સર્જીકલ ઓપરેશન તેમજ નર વાછરડાઓ માટે ખસીકરણની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
કેમ્પમાં પશુપાલન વિભાગના નિષ્ણાત પશુચિકિત્સકો દ્વારા પશુઓની આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવી હતી. જેમાં નાયબ પશુપાલન નિયામક ડૉ. એન. એ. પટેલ, પશુ ચિકિત્સા અધિકારી ડૉ. રુચિત પટેલ સહિત અન્ય પશુ ચિકિત્સા અધિકારીઓ અને પશુધન નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
કરોલી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકોએ કેમ્પમાં હાજરી આપી વિવિધ પશુચિકિત્સા સેવાઓનો લાભ લીધો હતો.
