કાલોલમા પ્રેમસંબંધના આવેશમા આવી પતિની હત્યા કરતો પ્રેમી: ભાદરોલી ગામમાં મૃતદેહના ટુકડા કરી દાટ્યાની ચર્ચા…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પત્ની અને તેના પિતરાઈ ભાઈ સામે ગંભીર આરોપો, પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસાની શક્યતા

જિલ્લાના કાલોલ તાલુકાના ભાદરોલી ગામમાંથી પ્રેમસંબંધ, વિશ્વાસઘાત અને કથિત હત્યાની એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. પોલીસ તપાસ મુજબ પત્ની અને તેના સગા પિતરાઈ ભાઈ વચ્ચેના પ્રેમસંબંધમાં અવરોધરૂપ બનતા પતિની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. સમગ્ર ઘટનાએ જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે.

મળતી માહિતી અનુસાર, મૃતક રાજેશ સોલંકીની પત્ની શિલ્પા અને તેના સગા પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર અર્જુન સોલંકી વચ્ચે પ્રેમસંબંધ હોવાનો આક્ષેપ છે. પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક વિગતો મુજબ, રાજેશ તેમના સંબંધોમાં અવરોધરૂપ બનતા આરોપીઓએ તેને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપ છે કે ધર્મેન્દ્રએ રાજેશ પર જીવલેણ હુમલો કરીને તેની હત્યા કરી હતી.

મૃતદેહના અવશેષો જમીનમાં દાટ્યાનો આરોપ

પોલીસ તપાસ મુજબ હત્યા બાદ પુરાવા નષ્ટ કરવાના હેતુથી મૃતદેહના ટુકડા કરીને ગામની નજીક જમીનમાં દાટી દેવામાં આવ્યા હોવાનો આરોપ છે. ઘટનાની જાણ બહાર આવતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે મૃતદેહને અત્યંત ક્રૂરતાપૂર્વક નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મૃતકના ભાભી પારૂલબેને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મૃતદેહના ટુકડા કરીને ખાડામાં દાટી દેવામાં આવ્યા હતા. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થઈ શકશે.

ફોરેન્સિક તપાસ માટે મૃતદેહના અવશેષો મોકલાયા

ઘટનાની જાણ થતાં જ પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ભાદરોલી ગામે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પરથી મૃતદેહના અવશેષો બહાર કાઢી વધુ તપાસ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે વડોદરા મોકલ્યા હતા.

મુખ્ય આરોપીની ઝડપી અટકાયત

આ ચકચારી કેસમાં કાલોલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી ધર્મેન્દ્ર અર્જુન સોલંકીની અટકાયત કરી છે. તેની સામે હત્યા અને પુરાવા નષ્ટ કરવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસનું કહેવું છે કે સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં, મૃતદેહના નિકાલમાં કોની મદદ લેવામાં આવી અને હત્યાનું સંપૂર્ણ કાવતરું કેવી રીતે ઘડાયું તે સહિતના મુદ્દાઓ પર ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

પ્રેમસંબંધમાંથી જન્મેલી આ કથિત હત્યાની ઘટનાએ સમગ્ર પંચમહાલ જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે. હવે પોલીસ તપાસમાં આગળ શું નવા ખુલાસા થાય છે અને કેસમાં અન્ય કોઈની સંડોવણી સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.

આ પણ વાંચો :-