ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
જય કેમિકલ કંપની નજીક સર્જાયેલી ઘટનાથી અનેક સવાલો ઊભા, પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી એક કંપની નજીક કચરાના વિશાળ ઢગલામાં લાગેલી ભીષણ આગ બાદ એક યુવકનો સળગેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ, ઓઢવ વિસ્તારમાં જય કેમિકલ કંપની નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં કચરાના મોટા ઢગલામાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગના કારણે કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસના રહીશો અને ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
આગ બુઝાયા બાદ સામે આવી ચોંકાવનારી હકીકત
આગ શાંત થયા બાદ ફાયર વિભાગ દ્વારા કુલિંગ અને તપાસની કામગીરી દરમિયાન કચરાના ઢગલામાંથી એક માનવ શરીરનો સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ તાત્કાલિક ઓઢવ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસ અને ઉપલબ્ધ વિગતોના આધારે મૃતકની ઓળખ પ્રતાપ ઠાકોર તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે.
અનેક સવાલો વચ્ચે તપાસ તેજ
યુવકનું મોત આગમાં અકસ્માતે થયું કે પછી કોઈ અન્ય કારણસર તેનું મૃત્યુ થયું હતું, તે અંગે હાલ અનેક સવાલો ઊભા થયા છે. મૃતક આગ લાગ્યા સમયે ત્યાં કેવી રીતે હાજર હતો, શું તે સમયસર બહાર નીકળી શક્યો નહોતો કે પછી સમગ્ર ઘટનામાં કોઈ અન્ય સંજોગો જવાબદાર છે, તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.
CCTV ફૂટેજ અને સ્થાનિકોની પૂછપરછ
ઓઢવ પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવા માટે આસપાસની કંપનીઓ અને વિસ્તારોના CCTV ફૂટેજ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત મૃતકના પરિવારજનો, સ્થાનિક રહીશો અને સંભવિત સાક્ષીઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર ફોરેન્સિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ ઘટનાના ચોક્કસ કારણો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે. હાલ સમગ્ર મામલે પોલીસે દરેક સંભાવનાને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી છે.