મોટર અકસ્માત વળતર કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: મૃત્યુ બાદ ભરાયેલ ITR પણ ગણાશે માન્ય પુરાવો…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

મોટર વાહન અકસ્માતના કેસોમાં વળતરની રકમ નક્કી કરવા અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના નિધન બાદ ફાઈલ કરાયેલું ઈન્કમટેક્સ રિટર્ન (ITR) પણ વળતર નક્કી કરવા માટે કાયદેસર અને માન્ય પુરાવા તરીકે ધ્યાનમાં લઈ શકાય છે.

શું હતો સમગ્ર મામલો?

વર્ષ 2017માં વસંતકુમાર નામના યુવકનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. મૃતક યુવક કરિયાણાનો વ્યવસાય કરતો હતો અને દર મહિને અંદાજે 30 હજાર રૂપિયાથી વધુ કમાણી કરતો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પરિવાર દ્વારા મોટર અકસ્માત વળતર માટે ક્લેમ ટ્રિબ્યુનલમાં અરજી કરવામાં આવી હતી.

પરંતુ ટ્રિબ્યુનલે મૃત્યુ બાદ ફાઈલ કરાયેલા ઈન્કમટેક્સ રિટર્નને વિશ્વસનીય પુરાવો માનવાનો ઇનકાર કર્યો હતો અને ઓછી વળતરની રકમ મંજૂર કરી હતી. ત્યારબાદ મૃતકના પરિવારજનોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટકોર

મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસે જણાવ્યું હતું કે, મૃત્યુ બાદ ફાઈલ કરાયેલું ITR પણ આવક દર્શાવતો એક વૈધાનિક દસ્તાવેજ ગણાય છે. માત્ર ટેકનિકલ કારણોને આધારે આવા દસ્તાવેજોને નકારવાથી ન્યાયના મૂળ હેતુને નુકસાન પહોંચે છે.

કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે મૃતકની વાસ્તવિક આવકનું યોગ્ય મૂલ્યાંકન કરવું અત્યંત જરૂરી છે, કારણ કે તેના આધારે જ પરિવારને મળનાર વળતરની રકમ નક્કી થાય છે.

વળતરની રકમમાં નોંધપાત્ર વધારો

ગુજરાત હાઈકોર્ટે ટ્રિબ્યુનલના નિર્ણયમાં હસ્તક્ષેપ કરીને આશ્રિતોને મળનાર વળતરની રકમમાં મોટો વધારો કર્યો છે. કોર્ટે 34.53 લાખ રૂપિયાના વળતરને વધારીને 40,45,940 રૂપિયા કરવાનો આદેશ આપ્યો છે.

સાથે જ સંબંધિત વીમા કંપનીને વધારાની રકમ 6 સપ્તાહની અંદર વ્યાજ સાથે જમા કરાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ ચુકાદાને અનેક પરિવારો માટે રાહતરૂપ અને આશાજનક માનવામાં આવી રહ્યો છે, કારણ કે ટેકનિકલ કારણોસર વળતરથી વંચિત રહેલા લોકો માટે હવે ન્યાય મેળવવાનો માર્ગ વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો :-