પંચમહાલ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત યુવા સશક્તિકરણ દિવસની ભવ્ય ઉજવણી

ગોધરા,(પંચમહાલ) સાજીદ શેખ :-

જિલ્લાની અગ્રણી કોલેજોના વિદ્યાર્થીઓ અને સ્ટાફગણે લીધી ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’

ગુજરાત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહના ભાગરૂપે પંચમહાલ જિલ્લાની ચાર અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાં યુવા સશક્તિકરણ દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રભાવના, સમર્પણ અને બંધારણીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો.
આ કાર્યક્રમોમાં મુખ્યત્વે વ્યાખ્યાન માળા અને ભારત વિકાસ પ્રતિજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાન માળામાં વિવિધ વક્તાઓએ યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં તેમની ભૂમિકા, વર્તમાન સમયમાં યુવા શક્તિનું મહત્વ અને રાષ્ટ્રપ્રેમ જેવા વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તકે ઉપસ્થિત તમામે એકસાથે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી, જેમાં સૌએ એકસાથે પોતાના વ્યક્તિગત હિતો કરતાં રાષ્ટ્રહિતને સર્વોપરી ગણવું, કોઈપણ કાર્ય કરતા પહેલા પોતાના દેશનો વિચાર કરવો, ભારતના ગૌરવશાળી અને સમૃદ્ધ વારસાનું જતન કરવું અને ગૌરવ લેવું, ભારતીય બંધારણના ઉચ્ચ મૂલ્યો અને આદર્શોનું પાલન કરવું, જ્ઞાતિ, ધર્મ કે જાતિના બંધનોથી મુક્ત રહીને એકતા અને સમાનતાના ભાવને અપનાવવો જેવા સંકલ્પ લીધા હતા.
આ ઉજવણીમાં શેઠ પી. ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા, પંચશીલ કોલેજ ગોધરા, ગવર્મેન્ટ પોલિટેકટીક કોલેજ ગોધરા, અને એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હાલોલના આચાર્યશ્રીઓ, અધ્યાપકગણ, અને એનએસએસના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.