ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા– ૨૦૨૫ નું આયોજન

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી અને પાંચ આશ્વાસન ની પસંદગી કરી રોકડ પુરસ્કાર આપવામાં આવશે

પ્રતિયોગિતામાં ભાગ લેવા માંગતા જિલ્લાના ગણેશ પંડાલોએ તા.૨૮ ઓગસ્ટ પહેલાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીએ સંપર્ક કરવો

ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગરના કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચે તે માટે વર્ષ ૨૦૨૫ માં ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ ૫(પાંચ) આશ્વાસન ની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે જે માટે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રતિયોગિતામાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સિવાયનાં ૨૯ જીલ્લા મથક ખાતેના ગણેશ પંડાલ ભાગ લઇ શકશે. જેમાં (૧) ઓપરેશન સિન્દૂર – દેશ ભક્તિની થીમ અને (૨) સ્વદેશી અપનાવો ની થીમ સહિત વિવિધ બાબતો જેમ કે (૩) ગણેશ પંડાલનાં મંડપ શણગાર (૪) સામાજિક સંદેશ (૫) ગણેશ પ્રતિમાની પસંદગી( ઇકો ફ્રેન્ડલી) (૬) પંડાલ સ્થળની પસંદગી( ટ્રાફિક કે આસપાસનાં લોકોને અડચણ રૂપ નાં થાય (૭) સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી (૮) ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર પ્રવૃતિઓ વગેરે ધ્યાનમાં રાખી જીલ્લામાંથી સ્થાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરવામાં આવશે અને તેના ફોટા-વિડીયો તેમજ અન્ય જરૂરી વિગતો કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરને મોકલવામાં આવશે.
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર ખાતે રાજ્યનાં ૨૯ જિલ્લાઓમાંથી પસંદગી પામેલ પંડાલોમાંથી શ્રેષ્ઠ ૩ (ત્રણ) વિજેતા તેમજ અન્ય ૦૫ (પાચ) ને પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવશે. જેમાં પસંદગી પામેલ ૧ થી ૩ ક્રમે આવેલ ગણેશ પંડાલનાં વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૫,૦૦,૦૦૦ (પાંચ લાખ), દ્રિતીય ક્રમે આવનાર વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ) અને તૃતીય ક્રમે વિજેતા થનાર પંડાલને રૂ.૧,૫૦,૦૦૦ ( એક લાખ પચાસ હજાર) રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમજ અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે પંડાલ દીઠ રૂ.૧,૦૦,૦૦૦ (એક લાખ) રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેનાં ફોર્મ ગોધરા સ્થિત પંચમહાલ જિલ્લા સેવા સદન ભાગ-૨ માં પ્રથમ માળે રૂમ નં-૩૫ માં આવેલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીથી મેળવી શકાશે અને તા.૨૮/૦૮/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખાતે પરત કરવાના રહેશે. નોંધનીય છે કે સમય મર્યાદા બાદ મળેલ ફોર્મ માન્ય રહેશે નહીં તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી આર.એલ.પારગી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.