પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તા.૧૨ મી જુલાઈ,૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

પક્ષકારોને સબંધિત કોર્ટમાં સંપર્ક કરવા અનુરોધ

પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ નાલ્સાના,ન્યુ દિલ્લીના આદેશથી અને ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ,અમદાવાદના માર્ગદર્શન તેમજ પંચમહાલ પિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી સી.કે.ચૌહાણની અધ્યક્ષતા હેઠળ આગામી તા.૧૨/૦૭/૨૦૨૫ ના રોજ પંચમહાલ જિલ્લા મથકની તમામ અદાલતો તથા સાથે સાથે શહેરા, મોરવા(હ), ઘોઘંબા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા તાલુકા મથકોની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.
આ રાષ્ટ્રીય લોક અદાલતમાં તમામ પ્રકારના સમાધાન લાયક પેન્ડીંગ કેસો જેવા કે ક્રીમીનલ કંપાઉન્ડેબલ કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો, બેંક રિકવરીના કેસો, એમ.એ.સી.પી.કેસ, સર્વિસ મેટરના કેસો, મેટ્રીમોનિયલ કેસો, લેબર ડીસ્પ્યુટ કેસો, ઈલેકેટ્રીકટના કેસો, સીવીલ કેસો અને પ્રિ-લિટીગેશન કેસો સમાધાન અર્થે મૂકી શકાશે.
જિલ્લામાં મહત્તમ લોકો રાષ્ટ્રીય લોક અદાલતનો લાભ લઈ સમાધાનથી વિવાદ મુક્ત બને તે હેતુથી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. આમાં સમાધાન કરવા ઈચ્છા ધરાવતા તમામ પક્ષકારોને તાલુકા કોર્ટોનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરા ખાતે સંપર્ક કરવા ડી.એલ.એસ.એ., ગોધરાના સેક્રેટરી શ્રી જે.એસ.શાહ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.