ગોધરામાં રાષ્ટ્રીય સાયકલિંગ યાત્રાએ નીકળેલા સાયકલિસ્ટ આશા માલવીયનું ઉષ્માભર્યું સ્વાગત…

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આશા માલવીયને પ્રશસ્તીપત્ર એનાયત કરીને પ્રેરણાદાયી યાત્રા માટે શુભકામના પાઠવી

78મા ભારતીય સેના દિવસના પાવન અવસરે ‘નારી શક્તિ’ અને ‘દેશભક્તિ’નો સંદેશ લઈને 7,800 કિલોમીટરની રાષ્ટ્રીય સાયકલિંગ યાત્રાએ નીકળેલા સાયકલિસ્ટ આશા માલવીયનું આજે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાયકલિસ્ટ આશા માલવીય જયપુર (દક્ષિણ પશ્ચિમી કમાન) થી લઈને ભારતના અંતિમ પૂર્વીય સીમાડે આવેલા કિબિથુ સુધીની અંદાજે 7,800 કિલોમીટરની મહત્ત્વાકાંક્ષી રાષ્ટ્રીય સાયકલિંગ યાત્રા પર નીકળ્યા છે. આ યાત્રાનો પ્રારંભ 11 જાન્યુઆરી 2026ના રોજ જયપુરથી કરવામાં આવ્યો હતો. આજદિન સુધીમાં તેમણે આશરે 2,250 કિલોમીટરનું અંતર સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે અને આ યાત્રાના ભાગરૂપે આજે પંચમહાલ જિલ્લામાં આગમન કર્યું છે.

ગોધરા શહેર ખાતે જિલ્લા સેવાસદન કચેરીએ પહોંચતા જ સાયકલિસ્ટ આશા માલવીયનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેઓને પ્રશસ્તીપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા તેમની આ પ્રેરણાદાયી યાત્રા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ચીટનીશ શ્રી જયેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, આશા માલવીયની આ રાષ્ટ્રીય સાયકલિંગ યાત્રા દેશભરમાં નારી શક્તિ, સ્વસ્થ જીવનશૈલી અને દેશપ્રેમ અંગે જનજાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. તેમની અવિરત મહેનત અને આત્મવિશ્વાસ યુવા પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે.

સાયકલિસ્ટ આશા માલવીયે આ સન્માન બદલ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, દેશની એકતા, સેનાના સન્માન અને મહિલાઓના સશક્તિકરણ માટે તેઓ આ યાત્રા પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે.