પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગ આપવા રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના કુરુક્ષેત્ર સ્થિત ફાર્મની મુલાકાત લીધી…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના ઉમદા હેતુ સાથે એક વિશેષ અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના નિમંત્રણથી રાજ્યના કૃષિ મંત્રીશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યના અગ્રણી પ્રગતિશીલ ખેડૂતોએ કુરુક્ષેત્ર સ્થિત ‘ગુરુકુલ ધર્મક્ષેત્ર ફાર્મ’ની મુલાકાત લીધી હતી.

આ મુલાકાતની સૌથી વિશેષ બાબત એ રહી કે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતે આખો દિવસ ઉપસ્થિત રહી, તમામ મહાનુભાવો અને ખેડૂતો સાથે ખેતરમાં પગપાળા ફરીને પ્રાકૃતિક ખેતીના વિવિધ પ્રકલ્પોનું જીવંત નિદર્શન કરાવ્યું હતું. તેમણે જીવામૃત, ઘન જીવામૃત અને આચ્છાદન (મલ્ચિંગ) જેવી પદ્ધતિઓ દ્વારા જમીનનું સ્વાસ્થ્ય કેવી રીતે સુધરે છે તેની વૈજ્ઞાનિક સમજ પૂરી પાડી હતી.

આ પ્રવાસમાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી શ્રી રમેશભાઈ કટારા, કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી આર.સી. મીના, ખેતી નિયામક શ્રી રાજપૂત, આત્માના ડાયરેક્ટર શ્રી એસ.એન. જોષી, અધિક ખેતી નિયામક શ્રી શિહોરા તથા બાગાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. આ ઉપરાંત GSC બેંકના શ્રી ભરતભાઈ ગુપ્તા અને કૃષિ મોરચાના શ્રી હિરેનભાઈ હિરપરા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રગતિશીલ ખેડૂતો જેવા કે શ્રી ચતુરભાઈ પટેલ (મહેસાણા), શ્રી પ્રવિણભાઈ માછી (પંચમહાલ), શ્રી વિષ્ણુભાઈ પટેલ (સાબરકાંઠા), શ્રી મહેન્દ્રભાઈ રાવલ અને મનહરસિંહ રાણા (અમદાવાદ) તથા શ્રી મહેશભાઈ રૂપારેલિયા (રાજકોટ) એ આધુનિક પ્રાકૃતિક ખેતીના મોડેલને પ્રત્યક્ષ નિહાળ્યું હતું.

મુલાકાતીઓના મતે, રાજ્યપાલશ્રીના ફાર્મ પર જોવા મળેલી વ્યવસ્થા અને પ્રાકૃતિક પદ્ધતિથી થતું વિપુલ ઉત્પાદન ખરેખર અચરજ પમાડે તેવું છે. તમામ સભ્યોએ એકસૂરે જણાવ્યું હતું કે આ પ્રવાસ તેમના માટે એક અમૂલ્ય ‘સંભારણું’ બની રહેશે અને અહીંથી મેળવેલું જ્ઞાન તેઓ ગુજરાતના ગામે-ગામ સુધી પહોંચાડશે.આ મુલાકાતથી ગુજરાતમાં ‘રસાયણમુક્ત ખેતી-ઉત્તમ ખેતી’ના અભિયાનને નવી ઉર્જા મળશે તેવો વિશ્વાસ કૃષિ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.