ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
સરકારી પદ અપાવવાના નામે કરોડો રૂપિયા પડાવ્યાનો આક્ષેપ, ભરતસિંહ ચંદાવત ગંભીર રીતે ઘાયલ, ઇન્ફોસિટી પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 11 શખ્સોને રાઉન્ડ અપ કર્યા

ગાંધીનગર: ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા લેન્ડમાર્ક મોલ નજીક સોમવારે મોડી રાત્રે કરોડો રૂપિયાની નાણાકીય લેતીદેતીના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આરહા ફિટનેસ જીમ બહાર થયેલા આ હુમલામાં તીક્ષ્ણ હથિયારો વડે બે યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભરતસિંહ ચંદાવત ગંભીર રીતે ઘાયલ થતાં તેમને અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હુમલાખોરોએ કારમાં પણ તોડફોડ કરી હતી. સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર સહિત 11 શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે.
પોલીસ ફરિયાદ મુજબ, સમગ્ર વિવાદની શરૂઆત એપ્રિલ-2025 દરમિયાન થઈ હતી. આરોપી મહેન્દ્રસિંહ ખેમચંદ રાઠોડે સરકારી કંપની GACLમાં ડીલરશીપ અપાવવાની લાલચ આપી ફરિયાદીના પિતા પાસેથી રૂ. 15 લાખ લીધા હતા. ત્યારબાદ રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (RTDC)માં ચેરમેન પદ અપાવવાનો દાવો કરી ફરિયાદીના પિતાના મિત્ર શિવુજીલાલ ચૌધરી પાસેથી એડવાન્સ તરીકે રૂ. 50 લાખ સહિત તબક્કાવાર કુલ રૂ. 1.10 કરોડ પડાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, કોઈ કામ ન થતાં નાણાં પરત માંગવામાં આવતા બંને પક્ષો વચ્ચે વિવાદ ઊભો થયો હતો.
આ નાણાકીય વિવાદનો ઉકેલ લાવવા માટે ભરતસિંહ ચંદાવતે આરોપી મહેન્દ્રસિંહને કુડાસણ સ્થિત પોતાના જીમ ખાતે વાતચીત માટે બોલાવ્યો હતો. ફરિયાદી પક્ષ ત્યાં હાજર હતો ત્યારે મહેન્દ્રસિંહ અને તેનો પુત્ર અભિમન્યુસિંહ અગાઉથી બનાવેલા કાવતરાના ભાગરૂપે અન્ય આશરે 10 શખ્સો સાથે તીક્ષ્ણ હથિયારો લઈને સ્થળ પર પહોંચી ગયા હતા.
ફરિયાદ મુજબ, હુમલાખોરોએ “વારંવાર રૂપિયા કેમ માંગો છો, આજે જ તમારો હિસાબ પૂરો કરી દઈએ” કહીને ભરતસિંહ ચંદાવત અને ઉત્સવ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો. મહેન્દ્રસિંહે ભરતસિંહના બંને હાથના કાંડા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જ્યારે અભિમન્યુસિંહે તેમની પીઠના ભાગે છરીનો ઘા માર્યો હતો. મિત્રને બચાવવા વચ્ચે પડેલા ઉત્સવ પટેલને પણ પેટ, હાથ અને પગના ભાગે અનેક ઘા ઝીંકવામાં આવ્યા હતા.
હુમલા દરમિયાન ટોળામાં સામેલ અન્ય શખ્સોએ ફરિયાદીની વોક્સવેગન કારના કાચ તોડી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. બૂમાબૂમ થતાં સ્થાનિકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતાં હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ગંભીર રીતે ઘાયલ ભરતસિંહ ચંદાવતને અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઇન્ફોસિટી પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર સહિત કુલ 11 શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે. સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
