ફતેપુરા,(દાહોદ) આઝાદ મન્સુરી :-

દાહોદ જિલ્લાના ફતેપુરા સરકારી દવાખાનામાં છેલ્લા ૧૨ વર્ષથી મુખ્ય તબીબ તરીકે નિષ્ઠાપૂર્વક, કર્તવ્યનિષ્ઠા અને માનવતાભરી સેવા આપનાર ડૉ. આર. કે. રાઠવા સાહેબના સન્માનમાં ભાવભીનો વિદાય સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે ફતેપુરા નગરના આગેવાનો, ગ્રામજનો, દવાખાનાના ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી. ઉપસ્થિત સૌએ ડૉ. રાઠવા સાહેબની ૧૨ વર્ષની નિષ્કપટ સેવા, દર્દીઓ પ્રત્યેની આત્મીયતા, સરળ અને સૌમ્ય સ્વભાવ તેમજ આરોગ્ય ક્ષેત્રે આપેલા નોંધપાત્ર યોગદાનને ભાવપૂર્વક યાદ કર્યું હતું.
સમારંભ દરમિયાન મહેમાનો અને સહકર્મચારીઓ દ્વારા ડૉ. રાઠવા સાહેબને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ વચ્ચે તેમના સેવાકીય કાર્યને બિરદાવી આગામી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ડૉ. રાઠવા સાહેબે પોતાની ફરજ દરમિયાન હજારો દર્દીઓને સારવાર આપી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખાસ કરીને ગરીબ, જરૂરિયાતમંદ અને અંતરિયાળ વિસ્તારના દર્દીઓ માટે તેમણે હંમેશા સહાનુભૂતિ, સમર્પણ અને સેવાભાવ સાથે કામગીરી કરી હતી, જેના કારણે તેઓ લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવવામાં સફળ રહ્યા હતા.
વિદાય સમારંભના અંતે સૌએ ડૉ. આર. કે. રાઠવા સાહેબને ઉજ્જવળ ભવિષ્ય, સફળ કારકિર્દી અને સુખ-સમૃદ્ધિમય જીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમના વિદાયના આ પ્રસંગે અનેક લોકોની આંખો ભીની થઈ હતી, જે તેમના પ્રત્યેના પ્રેમ અને સન્માનનું જીવંત પ્રતિબિંબ બની રહ્યું હતું.