ધાનપુર,(દાહોદ) મોહન બારીયા :-

ધાનપુર તાલુકાના લીમડી-મેન્દ્રી ગામેથી આશાપુરા માતાના મઢ (કચ્છ) તરફ ભક્તિમય વાતાવરણમાં પગપાળા સંઘ રવાના થયો હતો. ગામમાંથી આશરે 40 ભક્તો માતાજીના રથ સાથે પ્રાર્થના, આરતી અને જયકારા વચ્ચે આ શ્રદ્ધાયાત્રા પર નીકળ્યા.
આ યાત્રા કુલ 700 કિલોમીટરના અંતરને આવરી લેશે. દરરોજ સરેરાશ 50 કિમીનું અંતર કાપીને 15 દિવસમાં યાત્રા પૂર્ણ થશે. ભુજથી આશરે 80 કિમી દૂર આવેલ આશાપુરા માતાનું મઢ 14મી સદીથી ભક્તિ અને આસ્થાનું પવિત્ર કેન્દ્ર રહ્યું છે.
આ યાત્રાની પરંપરા છેલ્લા પાંચ વર્ષથી સતત જળવાઈ છે. આ વર્ષે છઠ્ઠું વર્ષ હોવાથી ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સ્ત્રીઓ, યુવાનો તથા વડીલો સહીત ગામના વિવિધ વર્ગોના ભક્તોએ ઉમંગપૂર્વક ભાગ લીધો છે.
યાત્રાળુઓની આરામ અને સુવિધા માટે માર્ગમાં રાહત કેમ્પો, ચા-પાણી, નાસ્તો, દવાઓ તથા અન્ય સેવાકાર્યની સુવિધાઓ ગોઠવવામાં આવી છે. ગામ તથા સમાજના સેવાભાવી લોકો યાત્રાળુઓને સતત સેવા આપી રહ્યા છે.
સંઘ રવાના થતા જ સમગ્ર વિસ્તારમાં આશાપુરા માતાની જયઘોષ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો. યાત્રા દરમિયાન ભક્તો માતાની આરતી, ભજનો અને ભજન-કીર્તનમાં તલ્લીન થઈ ગયા હતા.