ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

સુખસર, દાહોદ: દાહોદ જિલ્લાના સુખસર તાલુકામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં ‘સ્વતંત્રતા સપ્તાહ’, ‘હર ઘર તિરંગા’ અને ‘હર ઘર સ્વચ્છતા’ અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.
તિરંગા યાત્રા દરમિયાન લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને **‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’**ના નારા લગાવતા જોવા મળ્યા હતા. દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રપ્રેમના સંદેશ દ્વારા નગરજનોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ તિરંગા યાત્રામાં સુખસર તાલુકા પંચાયતના પ્રમુખ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પટેલ, મામલતદારશ્રી, ટી.ડી.ઓ.શ્રી, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકાના વિવિધ વિભાગોના કર્મચારીઓ, પોલીસ તથા હોમગાર્ડના જવાનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર સુખસરમાં રાષ્ટ્રપ્રેમ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
